જીએસટીની કેટલા કરોડની ટેક્સ ચોરી પકડાઈ ? જુઓ
સૌથી વધુ ગુજરાતમાં, ત્યારબાદ બંગાળ અને આસામ સહિતના રાજ્યોમાં બોગસ આઇટીસીના અનેક કેસ મળ્યા
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
જીએસટીમાં કૌભાંડોનો સિલસિલો ચાલુ જ રહ્યો છે અને તેને રોકવા માટેના પ્રયાસો નિષ્ફળ જ રહ્યા છે . અધિકારીઓએ ઈનપુટ ટેક્સ ક્રેડિટ દ્વારા રૂપિયા 20 હજાર કરોડના બોગસ ક્લેમ પરથી પડદો ઊંચકીને આક્રમક પગલાં લીધા છે. જીએસટી વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ દરોડા પડાયા હતા.
અહેવાલમાં જણાવ્યા મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં વિભાગે રૂપિયા 20 હજાર કરોડની ટેક્સ ચોરી પકડી હતી. આ બધા જ ખોટા દાવા હતા. આ પ્રકારના કૂલ 1999 મામલા સામે આવ્યા હતા. આમ તો દર વર્ષે આવા અનેક કેસ બહાર આવતા જ રહે છે પણ ચાલુ નાણાકીય વર્ષમાં વધુ કેસ મળ્યા છે. સૌથી વધુ કેસ ગુજરાત્માથી મળ્યા છે. જેનો આંકડો 241 રહ્યો છે.
વિભાગ દ્વારા એવી જાણકારી અપાઈ હતી કે ગયા વર્ષે પણ બોગસ આઇટીસીના 1940 કેસ બહાર આવ્યા હતા. જેમાં રૂપિયા 13,175 કરોડનું રિફંડ માંગવામાં આવ્યું હતું. જો કે તેમાંથી અધિકારીઓએ રૂપિયા 1597 કરોડ કબજે કરી લીધા હતા. આ બારામાં 68 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
અહેવાલમાં જણાવ્યા મુજબ સૌથી વધુ આવા કેસ ગુજરાત અને બંગાળમાંથી બહાર આવ્યા છે. ત્યારબાદ આસામ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દીલ્હી અને કર્ણાટક વગેરેનો સમાવેશ થાય છે.
દર વર્ષે આવા કેસની સંખ્યા વધી રહી છે અને સરકારને હજારો કરોડની ખોટ ખાવી પડે છે જ્યારે પકડાય છે ખૂબ જ ઓછા કેસ અને તેમાં પણ અનેક લોકો છટકી જાય છે. આ કૌભાંડ રોકવાના પ્રયાસો કામ લાગ્યા નથી.
