ઘરે બેઠા રૂપિયા રૂપિયા કમાવાની લાલચ આપી છેતરતી 100 વેબસાઈટ બ્લોક
ઘરે બેઠા રોજના બેથી પાંચ હજાર રૂપિયા કમાઈ લેવાના નામે છેતરપિંડી
નવી દિલ્હી
ઘરે બેઠા રોજના ત્રણથી પાંચ હજાર કમાવાની લાલચ આપીને આ લોકો શીશામાં ઉતારતી અને પછી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી 100 વેબસાઈટ બ્લોક કરવામાં આવી છે. જોકે, અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ ચૂકી છે અને લોકોને તેમના રૂપિયા પરત નથી મળ્યા.
આ વેબસાઈટની મોડસ ઓપરેન્ડી લગભગ એક સરખી હોય છે. સૌથી પહેલાં તેઓ વોટ્સએપ પર કોઈને મેસેજ કરે છે અને ટાસ્ક બેઝ્ડ કામ કરવા કહે છે. તેમાં એવી લાલચ અપાય છે કે તમે ઘરે બેઠા થોડા જ કલાકોમાં રોજના બેથી પાંચ હજાર રૂપિયા કમાઈ શકશો. એક-બે વખત તેઓ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર પણ કરી આપે છે. ત્યાર પછી ભોળા લોકોને કોઈ પ્લાન ખરીદવા માટે જણાવાય છે અને જોતજોતામાં બેન્ક એકાઉન્ટ ખાલી કરી દેવાય છે.
આ વેબસાઈટ ટાસ્ક બેઝ્ડ અથવા ઈન્વેસ્ટમેન્ટ આધારિત ગેરકાયદે પ્રવૃત્તિ અથવા ક્રાઈમ કરતી હોય છે અને મોટા ભાગે વિદેશથી ઓપરેટ થાય છે. ભારતમાં આવી વેબસાઈટ અંગે અઢળક ફરિયાદો મળવાથી ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે તેને બ્લોક કરી છે. આ વેબસાઈટ્સ કાર્ડ નેટવર્ક, ક્રિપ્ટો કરન્સી, ઓવરસિઝ એટીએમ વિડ્રોઅલ અને ઈન્ટરનેશનલ ફિનટેક કંપનીઓનો ઉપયોગ કરીને ભારતમાંથી કરોડો રૂપિયાની ઉઠાંતરી કરે છે અને તેઓ મની લોન્ડરિંગ સાથે પણ સંકળાયેલી છે.
સરકારે આ માટે 1930 નંબર સાથે એક હેલ્પલાઈન શરૂ કરી છે જેમાં તમે સાઈબર ક્રાઈમના કેસની ફરિયાદ કરી શકો છો. ભારતના નાગરિકો માટે આવી વિદેશી વેબસાઈટ્સ મોટો ખતરો બની ગઈ હતી કારણ કે તેમાં ડેટા સિક્યોરિટીની ચિંતા હતી.
આ વેબસાઈટ્સ ગૂગલ અને મેટા જેવા પ્લેટફોર્મ પર ડિજિટલ એડવર્ટાઈઝમેન્ટ આપતી હોય છે અને ‘ઘરે બેઠા જોબ’, ‘ઘરે બેઠા કમાણી કેવી રીતે કરવી’, ‘ઘરે બેઠા રૂપિયા કમાવ’ વગેરે કી વર્ડ સાથે તે એપિયર થતી હોય છે. તેમાં મોટા ભાગે નિવૃત્ત લોકો, બેરોજગાર યુવાનો અથવા ગૃહિણીઓને ટાર્ગેટ કરવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સામાં સારું એવું ભણેલા અથવા સારી જોબ કરતા લોકો પણ ફસાઈ ગયા છે.
આવી વેબસાઈટની એડ પર ક્લિક કરતા જ વોટ્સ એપ અથવા ટેલિગ્રામ પર કોઈ એજન્ટ તમારો સંપર્ક કરે છે. તમને સાવ સરળ કામ સોંપીને થોડા સમય માટે પેમેન્ટ કરવામાં આવે છે. પરંતુ વ્યક્તિનો ભરોસો જીત્યા પછી મોટી રકમ ડિપોઝિટ કરવા માટે કહેવામાં આવે છે અને છેલ્લે આ રૂપિયા જપ્ત કરી લેવાય છે.