ઘરમાં મહિલાઓના યોગદાનને રૂપિયામાં ન તોલી ના શકાય, સુપ્રીમ કોર્ટ
અકસ્માત વળતર કેસમાં કરી ટીપ્પણી : સ્ત્રીના યોગદાનનું મૂલ્યાંકન કરીએ તો તે ઘણું ઊંચું છે
નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે હાલમાં મહિલાઓ અને તેમના કામને લઇને મોટી ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ગૃહિણીઓની આવક લઘુત્તમ વેતન કાયદા હેઠળ નિર્ધારિત કરવામાં આવેલી આવક કરતાં ઓછી ન ગણી શકાય. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ઘરની મહિલાઓનું યોગદાન અમૂલ્ય અને ખૂબ જ મહત્વપૂર્ણ છે. હકીકતમાં મોટર વ્હીકલ એક્ટ હેઠળ માર્ગ અકસ્માતનો ભોગ બનેલી મહિલાને આપવામાં આવતા વળતરમાં વધારો કરવાનો આદેશ આપતાં કોર્ટે આ વાત કહી હતી.
જસ્ટિસ સૂર્યકાન્તની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે નાણાંકીય દ્રષ્ટિએ ઘરમાં ગૃહિણીઓના યોગદાનનું મૂલ્યાંકન કરવું ખૂબ મુશ્કેલ છે. એમણે જણાવ્યું હતું કે મહિલાઓનું પોતાના ઘરમાં યોગદાન ઘણું જ ઉત્તમ અને અમૂલ્ય છે. એ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે હોમ મેકર્સનો રોલ ઘણો જ મહત્વપૂર્ણ હોય છે. જો આપણે એક પછી એક સ્ત્રી ઘર માટે જે યોગદાન આપે છે તેનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરીએ, તો તેમાં કોઈ શંકા નથી કે તેનું યોગદાન ઘણું ઊંચું છે.
સુપ્રીમ કોર્ટમાં એક મહિલાના અકસ્માતના કેસની સુનાવણી ચાલી રહી હતી. મહિલાના પતિ અને બાળકો વતી અરજી દાખલ કરવામાં આવી હતી. કાર અકસ્માતમાં 50 વર્ષીય મહિલાનું મોત થયું હતું. શરૂઆતમાં મહિલાના પરિવારે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલમાં અરજી દાખલ કરીને વળતરની માંગ કરી હતી. MACT એ આ કેસમાં રૂ. 2.5 લાખનું વળતર આપવાનો નિર્દેશ આપ્યો છે. આ પછી, અરજદારે વળતરની રકમ અંગે અસંતોષ વ્યક્ત કરીને હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ અરજદારની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી, ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જ્યારે મહિલાનું મૃત્યુ થયું હતું ત્યારે એની ઉંમર 50 વર્ષની હતી અને એમ જણાવવામાં આવ્યું હતું કે ત્યારે તે કામ કરતી હતી (નોકરી કરતી હતી). જો આપણે એમ પણ માની લઇએ કે મહિલા તે સમયે કોઇ કામકાજ નહોતી કરતી તો એ વાતમાં કોઇ શક નથી કે તે હોમમેકર હતી અને આ રીતના પ્રત્યક્ષ કે પરોક્ષ આવકની ગણતરી લઘુત્તમ વેતન તરીકે કરી શકાય છે અને તેને દૈનિક વેતન કરતા ઓછું ના આંકી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી સ્થિતિમાં મૃતકની આવક પ્રતિ મહિના 4 હજાર રૂપિયા જેટલી ગણવામાં આવશે. ઉપરોક્ત તથ્યોના આધારે સુપ્રીમ કોર્ટે વળતરની રકમ ઘટાડીને રૂ. 6 લાખ કરી હતી.
