ખાલીસ્તાની આતંકી જસબીરસિંઘ રોડેનું પાકિસ્તાનમાં મોત
જર્નેલસિંગ ભિંદરાનવાલેનો ભત્રીજો હતો
ભારતનો વધુ એક દુશ્મન દફન થઈ ગયો
પાકિસ્તાનમાં રહીને આઈએસઆઈને ઇશારે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ ચલાવતા શીખ આતંકી જસબીરસિંગ રોડે નું પાકિસ્તાનમાં 72 વર્ષની વયે હૃદય રોગના હુમલા થી મૃત્યુ થયું હતું. જસબિર રોડે ભારતમાં ખાલીસ્તાનની ચળવળના પ્રણેતા જર્નેલસિંગ ભિંદરાનવાલેનો ભત્રીજો હતો અને દાયકાઓથી લાહોરમાં રહી અને ભારત વિરોધી પ્રવૃત્તિ કરતો હતો.
પાકિસ્તાનમાં ખાલીસ્તાન લેબરેશન ફોર્સ તેમજ ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનના વડા તરીકે કાર્યરત જસબિર સિંઘ રોડેને ભારતે આતંકવાદી ઘોષિત કર્યો હતો. તેણે ભારત નેપાળ બોર્ડર ઉપર પણ ખાલીસ્તાન જિંદાબાદ ફોર્સની સ્થાપના કરી હતી. નેપાળમાં તે 20 કિલોગ્રામ આરડીએક્સ સાથે ઝડપાઈ ગયો હતો. વિસ્ફોટકોનો એ જથ્થો કાઠમંડુ ખાતેની પાકિસ્તાનની રાજદૂત કચેરીના કર્મચારીએ આપ્યો હોવાનું ખુલ્યું હતું. નેપાળથી ભાગીને દુબઈ પહોંચેલો જસબીર રોડે બાદમાં પાકિસ્તાનમાં સ્થાયી થયો હતો અને ત્યાં રહી આઈએસઆઈ ના આશરે રહી પંજાબમાં હથિયારો તેમજ વિસ્ફોટકો પહોંચાડવાનું કામ કરતો હતો. 1985 માં એર ઇન્ડિયાના વિમાનમાં થયેલા વિસ્ફોટ પાછળ પણ તેનું મુખ્ય ભેજુ હતું. 2021 થી 2023 દરમિયાન ભારતમાં થયેલી કમસેકમ છ આતંકવાદી પ્રવૃત્તિમાં તેની સંડાવણી ખુલ્યા બાદ એનઆઇએ એ પંજાબના મોંઘામાં આવેલી તેની સંપત્તિ જપ્ત કરી હતી. બીજી ડિસેમ્બરે તેના મૃત્યુ બાદ ગુપ્ત રીતે તેની શીખ ધાર્મિક વિધિથી અંતિમવિધિ કરવામાં આવી હતી.જસબિર રોડે નો પુત્ર ભગ્ગુ બ્રાર કેનેડામાં રહે છે અને તે અનેક વખત પાકિસ્તાનની મુલાકાત લઈ ચૂક્યો છે. તેની સામે પણ કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ છે.
પાકિસ્તાનમાંવધુ એક આતંકી છેલ્લા ડચકા લઈ રહ્યો છે
26 11 ના મુંબઈ ઉપરના આતંકવાદી હુમલા માં સંડોવાયેલો સાજીદ મીર પણ હોસ્પિટલમાં અંતિમ ક્ષણો ગણી રહ્યો છે. પાકિસ્તાનના ડેરા ગાઝી ખાન ખાતેની સેન્ટ્રલ જેલમાં અજાણ્યા શખસોએ તેને ઝેર આપી દીધા બાદ તે વેન્ટિલેટર ઉપર છેલ્લા ડચકા ખાઈ રહ્યો છે. નોંધનીય છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ આચરનારા ઓછામાં ઓછા 11 પાકિસ્તાની આતંકીઓના ભેદી મૃત્યુ થઈ ચૂક્યા છે.