કેન્દ્રીય કર્મીઓ, પેન્શનરોની દિવાળી સુધરી, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
મોદી સરકારની ગિફ્ટ, કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી, ટોટલ ભથ્થું 46 ટકા થયું
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
કેન્દ્રની મોદી સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી હતી અને એમની દિવાળી સુધારી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી . મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા સાથે તેને 42 ટકાથી વધારીને 46 ટકા કરવામાં આવ્યો હતો તેમ સત્તાવાર રીતે જાહેર કરાયું હતું. આમ પણ ચુંટણી આવી રહી છે ત્યારે બધાને લાભ કરાવતા નિર્ણયો જ લેવાની સરકારની નીતિ દેખાઈ રહી છે.
પહેલેથી જ એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કેન્દ્રીય કર્મચારીઓને આ વખતે પણ 4% DA વધારો મળી શકે છે. સરકારના આ નિર્ણયથી દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને ફાયદો થશે અને તેઓના પગાર અને પેન્શનમાં જોરદાર વધારો થશે.
મોંઘવારી ભથ્થું 42%થી વધીને 46%
નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યા બાદ હવે તે વધીને 46 ટકા થઈ ગયો છે. તેનો લાભ 1 જુલાઈ, 2023થી મળશે. DAમાં વધારાની સાથે કર્મચારીઓના પગારમાં પણ વધારો જોવા મળશે. વર્ષ 2023 માટે સરકારે પહેલો સુધારો કરતા 24 માર્ચ, 2023ના રોજ ડીએમાં વધારાની જાહેરાત કરી હતી અને જે બાદ વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ કર્મચારીઓ અને પેન્શનર્સને 1 જાન્યુઆરી, 2023થી મળી રહ્યો છે.