કલંકિત સાંસદો, ધારાસભ્યો માટે કેન્દ્ર સરકારે કોર્ટમાં શું કહ્યું ? વાંચો
- કલંકિત સાંસદો, ધારાસભ્યો સામે આજીવન પ્રતિબંધ અયોગ્ય
- કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી જવાબ આપ્યો : આવા નેતાઓને ચુંટણી લડવાથી દૂર રાખવાની માંગ કરતી અરજી પર થઈ સુનાવણી
કેન્દ્ર સરકારે ફોજદારી કેસોમાં દોષિત ઠેરવાયેલા નેતાઓ પર આજીવન પ્રતિબંધ લાદવાની માંગને બિનજરૂરી ગણાવી છે. કેન્દ્ર સરકાર કહે છે કે 6 વર્ષ માટે ગેરલાયક ઠેરવવા તે પૂરતું છે અને તે સંપૂર્ણપણે સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે.કેન્દ્ર સરકારે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં એક અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્રએ આ દલીલ આપી હતી. વકીલ અશ્વિની ઉપાધ્યાયે દેશની સર્વોચ્ચ અદાલતમાં એક અરજી દાખલ કરી હતી જેમાં ફોજદારી કેસોમાં દોષિત ઠેરવવામાં આવેલા નેતાઓ પર આજીવન પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.
અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસોનો ઝડપી ગતિએ નિકાલ કરવામાં આવે. અશ્વિની ઉપાધ્યાયે જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 8 અને 9 ની બંધારણીય માન્યતાને પડકારતી આ અરજી દાખલ કરી હતી.
આ અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સોગંદનામું દાખલ કરતી વખતે કહ્યું હતું કે આજીવન પ્રતિબંધ યોગ્ય રહેશે કે નહીં તે પ્રશ્ન સંપૂર્ણપણે સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે. કેન્દ્રએ એમ પણ કહ્યું કે ગેરલાયકાતનો સમયગાળો સંસદ દ્વારા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. આમ કલંકિત નેતાઓની સરકારે તરફેણ કરી છે અને એમના વતી દલીલ પણ કરી છે .
સુપ્રીમ કોર્ટે 2013 માં શું નિર્ણય આપ્યો હતો ??
બંધારણના અનુચ્છેદ ૧૦૨ અને ૧૯૧ ટાંકીને, કેન્દ્રએ કહ્યું હતું કે બંધારણે સંસદને ગેરલાયકાતને નિયંત્રિત કરતા કાયદા બનાવવાની સત્તા આપી છે. સંસદ પાસે ગેરલાયકાતના કારણો અને ગેરલાયકાતનો સમયગાળો બંને નક્કી કરવાની સત્તા છે. જો કે 2013મા સુપ્રીમ કોર્ટે એક ફેસલો આપ્યો હતો અને કહ્યું હતું કે 2 વર્ષની સજા પામેલા માનનિયોને ગૃહમાંથી તત્કાળ નિષ્કાસિત કરવા જોઈએ. તેમાં અપીલ કરવાની 3 માસની અવધિને નકારી દેવાઈ હતી.