એક દેશ એક ચુંટણી બિલ વર્તમાન સત્રમાં જ લાવવા તૈયારી
સરકાર ચર્ચા માટે બિલ જેપીસીને મોકલી શકે છે, આમ સહમતી બનશે
એક દેશ, એક ચૂંટણી સિસ્ટમ માટે મોદી સરકાર સંકલ્પબધ્ધ છે. સરકાર આ બિલ વર્તમાન શિયાળુ સંસદ સત્રમાં જ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બિલ પર ચર્ચા ન થાય તો પણ સરકારે તેને લાવવા માટે સંપૂર્ણ પ્લાનિંગ કરી લીધું છે. એવું પણ જાણવા મળ્યું છે કે જ્યારે પણ સરકાર બિલ લાવે છે, ત્યારે તે તેને વ્યાપક પરામર્શ માટે જેપીસી પાસે મોકલી શકે છે.
સરકાર એવું પણ સૂચન કરી શકે છે કે બિલ પર વિગતવાર ચર્ચા કરવામાં આવે અને તમામ એસેમ્બલીઓને ચર્ચામાં ભાગ લેવા માટે કહેવામાં આવે. સરકારે હજુ નક્કી કરવાનું બાકી છે કે તે એક સર્વગ્રાહી બિલ હશે કે અનેક બિલો, જેમાં બંધારણીય સુધારા માટેના સૂચનો પણ સામેલ હશે.
કોવિંદ સમિતિની ભલામણો સ્વીકારી
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ લોકસભા ચૂંટણી પહેલા માર્ચમાં સરકારને પોતાની ભલામણો સુપરત કરી હતી. કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા આ ભલામણોનો સ્વીકાર કર્યો હતો. કમિટીએ પોતાના રિપોર્ટમાં માત્ર બે તબક્કામાં ચૂંટણી કરાવવાની ભલામણ કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ શકે છે, જ્યારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી બીજા તબક્કામાં યોજવી જોઈએ.
