એક્ઝીટ પોલ પછી પણ ભરેલું નાળીયેર : બધા માથું ખંજવાળે છે
-આવતીકાલે ઈવીએમ ખુલશે પછી સમીકરણો મંડાશે
- મત ગણતરી માટે ચૂંટણી પંચ સજ્જ
નવી દિલ્હી
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો 3 ડિસેમ્બરે આવશે. આ પહેલા તમામ એક્ઝિટ પોલના પરિણામો આવી ગયા છે. મતદારો તરફથી મળેલા આ વલણોમાં રાજસ્થાનમાં ભાજપ અને છત્તીસગઢમાં કોંગ્રેસની જીત થઈ શકે છે. સૌથી વધુ 230 બેઠકો ધરાવતા મધ્ય પ્રદેશમાં ભાજપ સરકાર બનાવે તેવી શક્યતાઓ છે. મિઝોરમમાં ZPMને જંગી બહુમતી મળતી જણાય છે. જ્યારે તેલંગાણામાં કેસીઆરના હાથમાંથી સત્તા સરકી રહી હોય તેવું લાગી રહ્યું છે.જો કે અલગ અલગ એજન્સીઓએ કરેલા સર્વે પછી રાજકીય પક્ષોને મૂંઝવણ થઇ રહી છે અને હજુ ભરેલું નાળીયેર હોવાનું માની રહ્યા છે.
- પોલ ઓફ પૉલ્સ અનુસાર, મધ્યપ્રદેશની તમામ 230 બેઠકોમાંથી ભાજપને 124 બેઠકો મળવાની ધારણા છે. એટલે કે ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બની જશે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 102 બેઠકો મળવાની આશા છે. અન્ય પક્ષોને 4 બેઠકો મળી રહી છે. મધ્યપ્રદેશમાં બહુમતીનો આંકડો 116 છે.
- છત્તીસગઢની તમામ 90 સીટોના પરિણામ આવી ગયા છે. જેમાંથી કોંગ્રેસને 49 બેઠકો મળતી જણાય છે. એટલે કે છત્તીસગઢમાં કોંગ્રેસ ફરી સરકાર બનાવે તેવી શક્યતા છે. જ્યારે બીજેપીને 38 સીટો મળે તેમ લાગી રહ્યું છે.જ્યારે અન્યને 3 બેઠકો મળવાની ધારણા છે.
રાજસ્થાનમાં સત્તા પરિવર્તનની પરંપરા ચાલુ રહી શકે છે. મતલબ કે આ વખતે જનતાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પોલ ઓફ પોલ્સ મુજબ રાજસ્થાનમાં 199 સીટોમાંથી ભાજપને 104 સીટો મળતી દેખાઈ રહી છે. આ સાથે કોંગ્રેસને 85 બેઠકો મળતી જણાય છે. ..
ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમની વાત કરીએ તો અહીં જોરમ પીપલ્સ મૂવમેન્ટ એટલે કે ZPM સરકાર રચાય તેવું લાગે છે. ZPMને કુલ 40 સીટોમાંથી 17 સીટો મળી રહી છે. જ્યારે વર્તમાન સત્તાધારી પક્ષ જોરમથાગાની MNPને 14 બેઠકો મળતી જણાય છે. કોંગ્રેસ 7 બેઠકો સાથે ત્રીજા પક્ષ તરીકે ઉભરી શકે છે. ભાજપને 1 સીટ મળવાની ધારણા છે. જ્યારે 1 સીટ અન્યના ખાતામાં જશે તેવો અંદાજ છે.
આ વખતે દક્ષિણના રાજ્ય તેલંગાણામાં મોટી ઉથલપાથલ થવાની શક્યતાઓ છે. કે ચંદ્રશેખર રાવની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ને તેલંગાણામાં 119 બેઠકોમાંથી 44 બેઠકો મળવાની ધારણા છે. કોંગ્રેસ+ને 62 બેઠકો મળતી જણાય છે. ભાજપની વાત કરીએ તો BJP+ને 7 સીટો મળવાની ધારણા છે. સાથે જ ઓવૈસીની પાર્ટી AIMIMને 5 સીટો મળી શકે છે. જ્યારે અન્યને 1 સીટ મળી શકે છે.