ઈમરજન્સી લાદવાના નિર્ણયને RSS અને બાલાસાહેબે ખુલ્લો ટેકો આપ્યો હતો
- સંજય રાઉત ઈમરજન્સીના બચાવમાં ઉતરી આવ્યા
કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના સંવિધાન બચાવો અભિયાનને કાઉન્ટર કરવા માટે એનડીએ સરકારે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ જાહેર કર્યા બાદ અલગ અલગ રાજકીય પક્ષોમાંથી અલગ અલગ પ્રત્યાઘાતો આવી રહ્યા છે. તેમાં શિવસેના ( ઠાકરે) ના પ્રવક્તા સંજય રાઉતે તો ઈમરજન્સી લાદવાના નિર્ણયને ઉચિત ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે કહ્યું કે ભાજપ પાસે હવે કાંઈ કામ બચ્યું નથી. ઇમરજન્સીને 50 વર્ષ થઈ ગયા છે. લોકો પણ ભૂલી ગયા છે. તે પછી તેમણે ઇમરજન્સી લાદવાના કારણો જણાવતા કહ્યું કે કેટલાક લોકો દેશમાં અંધાધુંધી ફેલાવવા માંગતા હતા. જવાનો અને સેનાને સરકારનો આદેશન આપવાનું રામલીલા મેદાનમાંથી ખુલ્લું આહવાનું થયું હતું. રાષ્ટ્રીય સલામતી ઉપર ખતરો સર્જાયો હતો. કેટલાક લોકો બોમ્બ બનાવી બનાવીને અલગ અલગ સ્થળે વિસ્ફોટો કરતાં હતા. આ સંજોગોમાં અટલબિહારી બાજપેય વડાપ્રધાન હોત તો તેમણે પણ ઇમરજન્સી લાગુ કરી હોત.
તેમણે ઉમેર્યું કે ઈમરજન્સી લાદવાના ઇન્દિરા ગાંધીના નિર્ણયને બાલા સાહેબ ઠાકરે અને આરએસએસ એ ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધને ભાજપ બંધારણ બદલવાનો ઇરાદો ધરાવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. એ મુદ્દો પ્રચારમાં છવાઈ ગયો હતો. લોકસભામાં પણ વિપક્ષના સાંસદો સંવિધાનની પ્રત લઈને આવ્યા હતા. સામા પક્ષે વડાપ્રધાન મોદીએ ઈમરજન્સીને યાદ અપાવી કોંગ્રેસને બંધારણની રક્ષા અંગે કાંઈ પણ બોલવાનો અધિકાર ન હોવાનું જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ પણ પોતાના અભિભાષણમાં કટોકટીને કલંકરુપ ગણાવી હતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કટોકટીની યાદમાં બે મિનિટનું મૌન પડાવ્યું હતું.અને બાદમાં એનડીએ સરકારે 25 જૂનને સવિધાન હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે ત્યારે સંજય રાઉતે કટોકટીને આરએસએસ એ પણ ટેકો આપ્યો હોવાનું જણાવી ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા.