હરિયાણા : બુલડોઝર પર હાઇકોર્ટની બ્રેક
રાજ્ય સરકારને ઝટકો, હિંસા બાદ નૂહમા તોફાનીઓના ઘરો તોડી પડાયા હતા
વોઇસ ઓફ ડે : નવી દિલ્હી
હરિયાણાના નૂહ, મેવાત સહિત વિવિધ વિસ્તારોમાં ભડકેલી હિંસા બાદ હરિયાણા સરકારે કડકાઈ કરતાં બુલડોઝર ફેરવવાની શરૂઆત કરી હતી. સતત ચારથી પાંચ દિવસ સુધી હરિયાણા સરકારે બુલડોઝરની કાર્યવાહી કરતાં રમખાણોમાં સામેલ લોકોના મકાનો, દુકાનો, હોટેલો તોડી પાડ્યા હતા.જોકે હવે આ મામલે ખુદ પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.
પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે આ મામલે કડક ટિપ્પણી કરતાં હરિયાણા સરકારને નોટિસ ફટકારી હતી અને જવાબ રજૂ કરવા કહ્યું હતું. હાઈકોર્ટે સરકારને આડેહાથ લેતાં કહ્યું કે આ મામલે એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. કોઈપણ નિર્માણને તોડી પાડતાં પહેલાં શું નોટિસ જારી કરવાની પ્રક્રિયાનું સરકાર દ્વારા પાલન કરવામાં આવ્યું હતું?
હરિયાણા સરકાર દ્વારા કરવામાં આવી રહેલી બુલડોઝરની કાર્યવાહીને કારણે રમખાણકારોની સંપત્તિઓની નિશાન બનાવવામાં આવી રહી હતી. આ મામલે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે જાતે જ સુઓ મોટો હાથ ધરી હતી અને પછી આ ચુકાદો આપતાં બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી હતી.