આજથી LPGના ભાવ અને ક્રેડિટ કાર્ડના નવા નિયમો
આજે રવિવારે પહેલી ડિસેમ્બર છે અને દર મહિનાની જેમ આ મહિનાની પહેલી તારીખથી કેટલાક એવા ફેરફાર થઇ રહ્યા છે જે સીધા લોકોને સ્પર્શે છે. જેમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર, ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર જોવા મળશે.
1 નવેમ્બરે 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. તેલ અને ગેસ વિતરણ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે કિંમતોમાં ફેરફાર કરે છે અને આ વખતે પણ તે જ જોવા મળી શકે છે. લાંબા સમયથી સ્થિર રહેલા 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો થવાની આશા છે.
એલપીજી સિલિન્ડરની કિંમતોની સાથે, એર ટર્બાઇન ફ્યુઅલની કિંમતમાં પણ મહિનાના પ્રથમ દિવસે ફેરફાર થાય છે. 1 ડિસેમ્બરે હવાઈ ઇંધણના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. આ ફેરફારોની સીધી અસર હવાઈ મુસાફરી પર જોવા મળી શકે છે.
1 ડિસેમ્બરથી ત્રીજો મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ સંબંધિત છે. જો તમે SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો નવા નિયમો 1લી ડિસેમ્બરથી અમલમાં આવી રહ્યા છે. SBIની વેબસાઇટ મુજબ, 48 ક્રેડિટ કાર્ડ હવેથી ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ/મર્ચન્ટ સાથે સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઇન્ટ ઑફર કરશે નહીં.
TRAI એ OTP અને કોમર્શિયલ મેસેજિંગ માટે નવા ટ્રેસેબિલિટી નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ 1 ડિસેમ્બરથી લાગુ થશે. આ હેઠળ, ટેલિકોમ કંપનીઓને મોકલવામાં આવતા તમામ મેસેજ ટ્રેસેબલ રહેશે, જેનાથી ફિશિંગ અને સ્પામના મામલાઓમાં ઘટાડો થશે. જો કે, આનાથી OTPની ડિલિવરીમાં થોડો વિલંબ થઈ શકે છે.
ભારતીય રિઝર્વ બૅંકે ડિસેમ્બર મહિના માટે રજાનું કેલેન્ડર બહાર પાડ્યું છે. કેલેન્ડર મુજબ આ મહિનામાં કુલ 17 દિવસ બૅંકોમાં કોઈ કામ નહીં થાય. જોકે, ઓનલાઇન સુવિધા 24 કલાક ચાલુ રહેશે.