કોણ છે ભારતીય મૂળના મહિલા નેતા જે કેનેડામાં પીએમ પદ માટે રેસમાં છે ? વાંચો
ભારતીય મૂળના કેનેડિયન મહિલા રાજનેતા રુબી ધલ્લા લિબરલ પક્ષની નેતાગીરીની સ્પર્ધામાં ઉતર્યા છે અને તે કેેનેડાના પ્રથમ અશ્વેત મહિલા વડાં પ્રધાન બનવાના તમામ સંભવિત પ્રયાસ કરી રહ્યા છે. ડોક્ટર, વેપાર સાહસિક અને ત્રણ વાર સાંસદની પૃષ્ઠભૂમિ સાથે ધલ્લા કેનેડાને સતાવી રહેલા રહેણાંકની વધતી કિંમત, વધતી ગુનાખોરી, ખાદ્ય પદાર્થના વધતા ભાવ અને કેનેડાના અર્થકારણ પર અમેરિકાના ટેરિફનો પ્રભાવ સહિતના મુદ્દાના સમાધાન માટે પૂરતો અનુભવ ધરાવે છે.
વિન્નીપેગમાં સ્થળાંતરિત માતાપિતાને ત્યાં જન્મેલી ધલ્લા પ્રતિબદ્ધતા અને સખત પરિશ્રમ દ્વારા કેનેડાનું સ્વપ્ન સાકાર થઈ શકે તેનું પ્રમાણ છે. પોતાના પરિવારને મળેલી તકો માટે માર્ગ મોકળો કરનાર કેનેડાની સમાવિષ્ટ નીતિઓ માટે ધલ્લા ભૂતપૂર્વ વડા પ્રધાન ટ્રુડોને શ્રેય આપે છે. કેનેડાનું કમબેક હવે શરૂ થયું છે જેવા ધલ્લાના પ્રચાર સ્લોગનમાં રાષ્ટ્રની સામે રહેલા પડકારોનો સામનો કરવાની અને તેની વૈશ્વિક શાખ ફરી સ્થાપિત કરવા પ્રત્યે તેની પ્રતિબદ્ધતાનો પડઘો પડે છે.
ભારત તરફી વલણ છે
ભારત સાથે કેનેડાના સંબંધ મજબૂત કરવા પર ધલ્લાએ ભાર મુકતા ભારતીય મૂળના નાગરિકોના મહત્વ અને આર્થિક ભાગીદારીમાં તેમની ક્ષમતાની ઓળખ કરી છે. ધલ્લા ખાસ કરીને અમેરિકી ટેરિફની અસર ઓછી કરવા કેનેડિયન કામદારો અને ઉદ્યોગો માટે તકો ખુલ્લી કરવાની ભલામણ કરે છે.
૧૪ વર્ષની વયથી સક્રિય
માત્ર 14 વર્ષની વયથી લિબરલ પાર્ટી સાથે કામ કરતી ધલ્લા પાર્ટીના પુનર્ગઠન તેમજ સામાજિક જરૂરીયતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ધલ્લા એવું સ્પર્ધાત્મક અર્થતંત્ર રચવા માગે છે જેમાં વેપાર-ઉદ્યોગ અને યુવા પેઢીને સમર્થન મળવાની સાથે વૈશ્વિક મંચ પર કેનેડાની પ્રતિષ્ઠામાં સુધારો થાય. ધલ્લા પોતાના નેતૃત્વમાં વધુ સમાવિષ્ઠ, દ્રઢ કેનેડા ઘડવા માગે છે જે જટિલ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય પડકારો ઝીલવા સક્ષમ અને સમર્થ હોય.