અમેરિકામાં કોની હત્યાનો પ્લાન ઘડે છે ઈરાન ? કોણે કહ્યું ? જુઓ
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર આ વર્ષે બે વખત જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે. જોકે, તેઓ માંડ-માંડ બચી શક્યા છે. આ વચ્ચે હવે અમેરિકાના ઈન્ટેલિજન્સ ડિરેક્ટરે મોટો ધડાકો કર્યો છે. તેમણે જણાવ્યું કે, ઈરાને ટ્રમ્પની હત્યાનો પ્લાન ઘડ્યો છે. અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણી માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને ગુપ્તચર અધિકારીઓએ તેમના જીવના જોખમ અંગે ચેતવણી આપી છે. ટ્રમ્પની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે.
મંગળવારે અમેરિકાના ઈન્ટેલિજન્સ ડિરેક્ટરે પૂર્વ પ્રમુખને ઈરાન તરફથી આવી રહેલી કથિત હત્યાની ધમકીઓ વિશે માહિતી આપી હતી. ગુપ્તચર એજન્સીઓએ ટ્રમ્પને જણાવ્યું કે, હકીકતમાં તમારા જીવને જોખમ છે. અમેરિકન ગુપ્તચર એજન્સીઓ ટ્રમ્પની સુરક્ષા પ્રત્યે એલર્ટ થઈ ગઈ છે. 5 નવેમ્બરના રોજ અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી છે. ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો મુકાબલો ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર કમલા હેરિસ સાથે છે.
અમેરિકામાં અસ્થિરતાનો પ્રયાસ
ટ્રમ્પની કેમ્પેઈન ટીમે એક નિવેદનમાં કહ્યું કે, પૂર્વ પ્રમુખ ટ્રમ્પને ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સના કાર્યાલય દ્વારા ઈરાન તરફથી મળતી હત્યાની ધમકીઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આમ કરવાનો પ્રયાસ કરનાર ઈરાન સંયુક્ત રાજ્ય અમેરિકામાં અસ્થિરતા ઉત્પન્ન કરવાનો અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરવા માગે છે.
મિલીટરી કમાન્ડરની હત્યાનો બદલો ?
અત્રે ઉલ્લેખનીય છે કે 2020 માં ટ્રમ્પના આદેશથી અમેરિકી સુરક્ષા દળોએ ઇરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. ત્યારબાદ બંને દેશો વચે ટેન્શન વધી ગયું હતું. આ હત્યાનો બદલો લેવાની ઇરાને કસમ ખાધી છે. ગુપ્તચરોએ કહ્યું છે કે ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ ના બને તે માટે ઈરાન એમની હત્યા કરવા માંગે છે.