અમેરિકામાં ફરી ક્યાં થયો બેફામ ગોળીબાર ? વાંચો
અમેરિકાના નેતાઓ એકબીજાને પાડી દેવાની રમતમાં પરોવાયેલા છે અને બીજી બાજુ દેશમાં ચારેકોર બેફામ ગોળીબાર કરીને હત્યાઓ કરવાનો ઘાતક સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરનો મામલો ફિલાડેલ્ફિયા ટાઉનશિપમાં બન્યો હતો. અહીં ગોળીબારમાં 3 લોકોના મોત થયા છે જ્યારે ઘણાં લોકો ઘાયલ થયા હતા. એક જ પરિવારના જાન ગુમાવનાર 3 લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
આ ઘટના અંગે પોલીસે કહ્યું કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સ્થિતિ તંગદિલીપૂર્ણ બનતાં સેન્ટ પેટ્રિક દિવસ પર પરેડ રદ કરી દેવામાં આવી હતી. અહીં આવેલો થીમ પાર્ક પણ બંધ કરી દેવાયો હતો.
ટ્રેન્ટ પોલીસના નિર્દેશક સ્ટીવ વિલ્સને આરોપીના નામનો ખુલાસો કર્યો હતો. 26 વર્ષીય આરોપી આન્દ્રે ગોર્ડને આ હિંસક ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે એ વાતનો ખુલાસો થયો નથી કે તેણે ગોળીબાર કેમ કર્યો હતો.
પોલીસના જણાવ્યાનુસાર આ ઘટના ઘરેલુ વિવાદને કારણે જ બની હતી. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો માર્યા ગયા હતા. આરોપીએ તેની સાવકી માતા 52 વર્ષીય કેરન ગોર્ડન, 13 વર્ષની બહેન કેરા ગોર્ડન અને 25 વર્ષીય ટેલર ડેનિયલને ગોળી ધરબી દીધી હતી. આરોપીની ધરપકડ ન્યૂ જર્સીમાંથી કરવામાં આવી હતી.