ક્યાં આવ્યો ભયાનક ભૂકંપ ? વાંચો
કેટલા લોકોના મોત થયા ?
તાઈવાનની રાજધાની તાઈપેમાં છેલ્લા 25 વર્ષમાં સૌથી ભયાનક ભૂકંપના જોરદાર આંચકાથી ઇમારતો હચમચી ગઈ હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.5 રહી હતી. કેટલીક ઇમારતો ધરાશાયી થઈ જતાં 4 લોકોના મોત થયા હતા અને 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા. અંદાજે 26 જેટલી ઇમારતો ધરાશાયી થઈ હતી. અહીં સુનામીની ચેતવણી પણ જારી કરાઇ હતી. મૃત્યુ આંક વધવાની પણ દહેશત વ્યક્ત કરાઇ હતી.
આ ભયાનક ભૂકંપને કારણે તાઇવાન અને જાપાનમાં પણ સુનામીનું એલર્ટ જાહેર કરાયું હતું. ચીનમાં પણ ધરતી હલબલી હતી. તાઈવનમાં ભયાનક ભૂકંપને પગલે ટ્રેન સહિતની સેવાઓ બંધ કરી દેવી પડી હતી. હજારો લોકો બેઘર થયા હતા. જો કે તંત્રવાહકોએ તરત જ બચાવ ઓપરેશન શરૂ કરી દીધું હતું.
તાઈવાનના હુઆલિયનથી ભૂકંપની અનેક તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા. જેમાં ઈમારતો ધરાશાયી થતી દેખાઈ હતી. . અનેક ઘર અને ઈમારતો તાશના પત્તાની જેમ વિખેરાતી દેખાઈ હતી. ભૂકંપને કારણે તાઈવાનમાં ભયાનક તબાહી સર્જાઈ છે. દેશભરમાં ટ્રેન સેવાઓ ઠપ કરાઇ છે. સોશિયલ મીડિયા પર આ ભૂકંપની એક તસવીર વાયરલ થઇ હતી જેમાં પાંચ માળની એક ઈમારત વાંકી વળી ગઇ હતી.
તાઈવાનમાં ભૂકંપ બાદ જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું હતું. જાપાનનું કહેવું છે કે ઓકિનાવા પ્રાંતની આજુબાજુ તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે. સુનામીની આ લહેર ત્રણ મીટર સુધી ઊંચી હોઈ શકે છે.
દરમિયાનમાં તાઈવાનમાં ઘાયલ થયેલા લોકોની સારવાર શરૂ કરાઇ હતી પણ કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું માટે મૃત્યુ આંક વધવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી હતી.