અમેરિકાના પૂર્વ પ્રમુખ બાયડન પર શું મુકાયો આરોપ ? કોણે ધડાકો કર્યો ? જુઓ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનું કાવતરૂં ઘડ્યું હોવાનો દાવો થતાં અમેરિકાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. અમેરિકામાં ટ્રમ્પના હિમાયતી અને રાજકારણના પંડિત તથા લેખક ટકર કાર્લસને આ દાવો કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર રાષ્ટ્રપ્રમુખ બનતાં ટકર કાર્લસન પૂર્વ સરકાર પર વિવિધ આક્ષેપો કરતાં જોવા મળ્યા છે.
ફોક્સ ચેનલના પૂર્વ એન્કરે તેના ‘ધ ટકર કાર્લસન શો’ પોડકાસ્ટના એપિસોડમાં જણાવ્યું હતું કે, ‘બાઈડેન સરકારે પુતિનને મારવાનો પ્રયાસ કર્યો હતો.’ આ અંગે આશ્ચર્ય પામતાં આ એપિસોડના ગેસ્ટ અમેરિકન લેખક અને પત્રકાર મેટ તૈબીએ ફરી પૂછ્યું, “ખરેખર?” જેના પર કાર્લસન ફરી પોતાના દાવા પર ભાર મૂકતાં કહે છે, ‘હા, હા, તેમણે કર્યો હતો.’ જોકે, કાર્લસને આ દાવાને સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા નથી.
રાઈટ વિંગ કન્ઝર્વેટિવ પાર્ટીમાં સામેલ ટકર કાર્લસને અગાઉ પણ ટ્રમ્પની હાર બાદ બાઈડેન સરકાર વરૂદ્ધ વિવિધ આરોપો મૂક્યા હતા. તેમજ 2020ની ચૂંટણી અંગે પણ ખોટા દાવાઓ કરતાં તેને ફોક્સ ન્યૂઝ ચેનલમાંથી બરતરફ કરાયો હતો. બાદમાં પોતાનો પોડકાસ્ટ શરૂ કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી રાષ્ટ્રપ્રમુખ બનતાં ટકર કાર્લસન આક્રમક અંદાજ સાથે ભૂતપૂર્વ સરકાર પર પ્રહારો કરતો જોવા મળ્યો છે.
રશિયાએ આપી પ્રતિક્રિયા
રશિયાએ ટકર કાર્લસનના આ દાવાઓ પર પ્રતિક્રિયા આપતાં રાષ્ટ્રપતિ પુતિનની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવેએ જણાવ્યું હતું કે, પુતિનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. જો કે, આ આરોપો પર પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બાઈડેને હજી સુધી કોઈ સ્પષ્ટતા કે પ્રતિક્રિયા આપી નથી.