ઈમરાન ખાને પાક સરકાર સામે હવે શું કરવાનો નિર્ણય લીધો ? વાંચો
પાકિસ્તાનની સરકાર સામે જંગે ચડેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હવે મહાત્મા ગાંધીના માર્ગે આગળ વધીને પાક સરકાર પર પ્રેશર વધારવા માંગે છે અને નવી રણનીતિ મુજબ એમની પાર્ટી આગળ વધવાની તૈયારી કરી રહી છે. હવે ઈમરાન અસહયોગ આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે.
ઈસ્લામાબાદમાં ગયા મહિને ઈમરાન ખાનની મુક્તિને લઈને જોરદાર પ્રદર્શન થયા. રાજધાની કૂચ કરવાના એલાન બાદ ઈમરાન ખાનના સમર્થકોને રોકવા માટે તંત્રએ પૂરું જોર લગાવી દીધું. ઉગ્ર પ્રદર્શનથી ગભરાયેલી સરકારે સેના પણ ઉતારી દીધી હતી. વિરોધ પ્રદર્શનોમાં 10 લોકોના મોત નીપજ્યા હતા. હવે ઈમરાન ખાન હિંસા છોડીને અન્ય રસ્તા તરફ વળતાં નજર આવી રહ્યાં છે. ઈમરાન ખાને ગુરુવારે જેલથી એક મેસેજ જાહેર કરીને અસહયોગ આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે.
ઈમરાન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું છે કે દેશમાં તાનાશાહી થઈ ગઈ છે. ઈમરાન ખાને પોતાના સમર્થકોથી 13 ડિસેમ્બરે ખૈબર પખ્તૂનખ્વાની રાજધાની પેશાવરમાં જમા થવા માટે કહ્યું છે જ્યાં હાલ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીની સરકાર છે. તેમણે સરકારની સામે બે માગ મૂકી છે અને કહ્યું છે કે જો આ માગોને માનવામાં ન આવી તો તે નવું આંદોલન શરૂ કરશે.
ઈમરાન ખાને લખ્યું, ‘દેશમાં તાનાશાહી થઈ ગઈ છે. નિર્દોષ રાજકીય કાર્યકર્તાઓને ગોળી મારી દેવાઈ છે અને શાંતિપૂર્ણ રાજકીય કાર્યકર્તા શહીદ થઈ ગયા છે. અમારા સેંકડો કાર્યકર્તા લાપતા છે. સુપ્રીમ કોર્ટે હવે આ મુદ્દે ધ્યાન આપવું જોઈએ અને પોતાની કાયદેસર ભૂમિકા નિભાવી જોઈએ. અમે માનવાધિકારના ઉલ્લંઘન બદલ સુપ્રીમ કોર્ટ, લાહોર હાઈકોર્ટ અને ઈસ્લામાબાદ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો પરંતુ કોર્ટે કોઈ કાર્યવાહી કરી નથી અને દેશ આ સ્થિતિમાં પહોંચી ગયો છે.
