લાહોરમાં ભારતીયની હત્યા કરનાર સાથે શું થયું ? વાંચો
પાકિસ્તાનના લાહોરમાં અંડરવર્લ્ડ ડોન આમિર સરફરાઝની ‘અજાણ્યા હુમલાખોરો’એ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આમીર સરફરાઝે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક સરબજીતની આઈએસઆઈના ઈશારે હત્યા કરી હતી. આમ પાકિસ્તાનમાં વધુ એક ડોનનો અંત આવી ગયો હતો.
સરબજીતને પાકિસ્તાનની કોટ લખપત જેલમાં અમીર સરફરાઝે ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઈશારે આમિરે સરબજીતને ટોર્ચર કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
સરબજીત સિંહ ભારત-પાક સરહદ પર આવેલા તરણ તારણ જિલ્લાના ભિખીવિંડ ગામનો ખેડૂત હતો. 30 ઓગસ્ટ, 1990ના રોજ તે અજાણતાં જ પાકિસ્તાનની સરહદે પહોંચી ગયો હતો. અહીં તેની પાકિસ્તાન આર્મીએ ધરપકડ કરી હતી.
સરબજીત સિંહને લાહોર અને ફૈસલાબાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં આરોપી બનાવવામાં આવ્યો હતો. આ બોમ્બ હુમલામાં 14 લોકોના મોત થયા હતા. સરબજીત સિંહને 1991માં બોમ્બ વિસ્ફોટોની હારમાળામાં કથિત સંડોવણી બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. લાહોરની કોટ લખપત જેલમાં કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ સરબજીત સિંહને પાકિસ્તાને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો.