બ્રિટનમાં મૂળ ભારતીય મહિલા સાથે ટ્રેનમાં શું થયું ? વાંચો
બ્રિટનમાં એક ભારતવંશી મહિલા સાથે ટ્રેનમાં બ્રિટનના એક યુવક દ્વારા જાતિવાદી ટિપ્પણી અને ગેરવર્તણૂક કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં મહિલા ખુદને ભારતવંશી જણાવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ટ્રેનમાં મહિલા સામે જોશથી બૂમો પાડી વાતો કરે છે. જાતિવાદી નફરત ખુલ્લેઆમ બતાવી રહ્યો છે. ગોરો યુવાન દારૂ પીધેલો પણ હતો.

લંડનથી માન્ચેસ્ટર જતી ટ્રેનમાં ૨૬ વર્ષીય મૂળ ભારતીય મહિલા ગેબ્રિલિ મુસાફરી કરી રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. વાતચીતમાં મહિલાએ ભારતીય પ્રવાસીઓ માટે પોતે કામ કરતી હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ ગોરો ભડકી ગયો હતો અને એલફેલ બોલવા લાગ્યો હતો.
નશામાં ધૂત વ્યક્તિ મહિલાને કહે છે કે અમે ભારત પર રાજ કર્યું છે. અમે ભારતને જીતી લીધું હતું. ભારત ઈંગ્લેન્ડનું હતું. જોકે પછી અમે ભારતના લોકોને એમનો દેશ પાછો આપી દીધો. વીડિયોમાં યુકેનો એક વ્યક્તિ અપ્રવાસીઓ અને દેશમાં ઈમિગ્રેશનની નીતિઓ વિશે વાત કરતો દેખાય છે. વીડિયોમાં તે યુવક મહિલા સામે બૂમો પાડી વાત કરતો જોઈ શકાય છે અને મહિલા તેનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરતી દેખાય છે.
જો કે આ ઘટના બાદ પેલા બ્રિટિશ યુવક સામે કોઈ પગલાં લેવાયા નથી અને આ બારામાં ભારતીય નાગરિકોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે . બ્રિટનમાં પણ ભારતીયો સામે નફરત આકાર લઈ રહી છે .