સિરિયામાં શું થયું ? કોની સત્તા ઊખડી ગઈ ? રાષ્ટ્રપતિ ક્યાં ભાગી ગયા ? જુઓ
સિરિયામાં અંતે જે થવાનું હતું તે જ થયું છે. રાષ્ટ્રપતિ બશર અલ અસદના 24 વર્ષના શાસનનો અંત આવી ગયો છે અને વિદ્રોહીઓએ સિરીયા પર કબજો કરી લીધો હતો. સિરિયાના વડાપ્રધાને પણ સત્તા સોંપી દેવાની તૈયારી બતાવતું નિવેદન કર્યું હતું. અસદ પણ દેશ છોડીને જીવ બચાવીને નાસી ગયા છે. અંતે સત્તા પલટો થઈ ગયો છે. ગૃહયુધ્ધમાં વિદ્રોહીઓ ફાવી ગયા છે. એચટીએસ નામનું વિદ્રોહી સંગઠન હવે સિરિયામાં બોસ છે. લાંબા સંઘર્ષ બાદ તેને અંતે સફળતા મળી છે.
રવિવારે મળેલા અહેવાલો મુજબ વિદ્રોહીઓ રાજધાની દમીશકમાં ઘૂસી ગયા હતા અને સરકારી ઇમારતો, રેડિયો, ટીવી સેન્ટરો પર કબજો કરી લીધો હતો. વિદ્રોહીઓએ સિરિયાના લોકોને એકજુથ રહેવાની અપીલ કરી હતી. સિરિયાની સેના પણ ફફડી રહી છે. વિદ્રોહીઓએ સેનાના વડામથક પર કબજો કરી લીધો હતો.
હવે સંપૂર્ણ રીતે સિરિયામાં વિદ્રોહીઓનું રાજ સ્થપાઈ ગયું છે. વડાપ્રધાન જલાલી પણ શરણે આવી ગયા છે અને શાંતિથી સત્તા સોંપવાની તૈયારી બતાવીને એમણે પોતાનો જીવ બચાવી લીધો છે.
સિરિયાની રાજધાની સહિત બધા જ મોટા શહેરોમાં વિદ્રોહીઓએ કબજો કરી લીધો છે. એમને અમેરિકા, તુર્કી પહેલાથી જ ટેકો આપી રહ્યા હતા. જો કે ટ્રમ્પે રવિવારે એવું નિવેદન કર્યું હતું કે સિરિયામાં જે કઈ થયું છે તેની સાથે અમારે કઈ લેવાદેવા નથી. આ લડાઈ અમારી નથી.
અસદ રશિયા કે ઇરાનમાં ?
દરમિયાનમાં ખાસ વિમાનમાં ભાગેલા અસદ ક્યાં ગયા છે તે બારામાં કોઈ વિગતો બહાર આવી નથી. એવું અનુમાન છે કે તેઓ ઈરાન અથવા રશિયામાં જઈને સંતાઈ ગયા છે. એમનું વિમાન રડારમાં પણ નહતું. એકધારા 24 વર્ષના એમના શાસનનો અંત આવી ગયો છે. એમના પરિવારે 50 વર્ષ સુધી સિરીયા પર એકાધિકાર રાખ્યો હતો.
વિદ્રોહી લીડર જાલોની કોણ છે ?
વિદ્રોહી નેતા અબુ મોહમ્મદ જાલોની છે. તેનું કનેક્શન અલ કાયદા સાથે રહ્યું હતું. . તેને ઈરાક સ્થિત અમેરિકી જેલમાં પણ પૂરી દેવાયો હતો. તે હયાત તહરીર અલ શામ નામનું સંગઠન ચલાવે છે. જેનું ટુંકુ નામ એચટીએસ છે. અમેરિકાએ તેના માથે 1 કરોડ ડોલરનું ઈનામ રાખ્યું હતું. જો કે છેલ્લે તેણે અલ કાયદા સાથે સંબંધ તોડી નાખ્યા હતા.