ભારતીયો માટે યુરોપિયન યુનિયને શું સુવિધા જાહેર કરી ? જુઓ
દુનિયાના અલગ અલગ દેશો ભારતીયોને આકર્ષવા માટે નવી નવી સુવિધાઓની જાહેરાત કરી રહ્યા છે. હવે યુરોપિયન યુનિયને ભારતીયો માટે પાંચ વર્ષની વેલિડિટી ધરાવતા મલ્ટીપલ એન્ટ્રી શેન્ગેન વિઝા માટે નવા નિયમો લાગુ કર્યા છે.
આ વિઝા ધરાવતા લોકો યુરોના 29 દેશનો પ્રવાસ કરી શકે છે. હાલના શેન્ગેન વિઝાની સરખામણીમાં નવા નિયમો ભારતીયો માટે વધુ અનુકૂળ છે. નવા નિયમો પ્રમાણે ભારતમાં રહેતા ભારતીય નાગરિકો બે વર્ષની વેલિડિટી ધરાવતા વિઝા મેળવી શકશે. યુરોપિયન યુનિયનના રાજદૂતે એક્સ પર આ માહિતી આપી હતી.
જો કે આ માટે તેમણે નિયમો પ્રમાણે મેળવેલા વિઝાનો છેલ્લા ત્રણ વર્ષમાં બે વાર ઉપયોગ કર્યો હોય તે જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો આ વિઝા પર તેમણે ત્રણ વર્ષમાં યુરોપની બે વાર મુલાકાત લીધી હોવી જોઈએ. ત્યાર પછી શરૂઆતના બે વર્ષના વિઝા પાંચ વર્ષ સુધીના થઈ શકશે.
આ પ્રકારની લંબાવાયેલી સમયમર્યાદા અંતર્ગત પ્રવાસીઓ શેન્ગેન વિઝાના આધારે જે તે દેશમાં કુલ 180 દિવસના સમયગાળામાં 90 દિવસ મુક્તપણે હરીફરી શકશે. જો કે આ દરમિયાન તેઓ કોઈ પણ શેન્ગેન એરિયામાં નોકરી નહીં કરી શકે.
શેનગેન વિઝા એક એવા વિઝા છે, જે બિન યુરોપિયન લોકોને યુરોપિયન યુનિયનના દેશોમાં મુસાફરી કરવા અને ત્યાં ટૂંકા ગાળાના સ્ટેની મંજૂરી આપે છે. સામાન્ય રીતે આ વિઝાની માન્યતા પ્રવેશ તારીખથી શરૂ થાય છે અને મહત્તમ 90 દિવસ સુધી ચાલે છે. જો કે, આ વિઝા નોકરી કરવાની મંજૂરી આપતા નથી.