એલન મસ્કે ભારતની કઈ બાબતના કર્યા વખાણ ? શું કહ્યું ? વાંચો
ભારતની ચુંટણી સિસ્ટમ દુનિયાભરમાં વખણાય છે અને હવે વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને અબજોપતિ એલન મસ્કે ભારતની ચૂંટણી પ્રણાલી પર ફીદા થઈને મોટી ટિપ્પણી કરી હતી. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીને ભારતની લોકસભા ચૂંટણી સાથે સરખાવતા કહ્યું કે, ભારતમાં એક દિવસમાં 640 મિલિયન એટલે કે 64 કરોડ મતોની ગણતરી થઈ છે, પરંતુ અમેરિકન રાજ્ય કેલિફોર્નિયામાં હજુ પણ મતોની ગણતરી ચાલુ છે. એમણે ભારતની સિસ્ટમના વખાણ કર્યા હતા.
સોશિયલ મીડિયા સાઇટ Xના માલિક મસ્કે સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. મસ્કે લખ્યું, ‘ભારતે એક દિવસમાં 640 મિલિયન વોટની ગણતરી કરી છે, જ્યારે કેલિફોર્નિયા હજુ પણ વોટની ગણતરી કરી રહ્યું છે.’
અમેરિકામાં 5-6 નવેમ્બરે મતદાન થયું હતું. ત્યારબાદથી હજુ સુધી મત ગણતરી શરૂ છે. કેલિફોર્નિયા પણ તેમાંથી એક રાજ્ય છે. જોકે, અમેરિકાના બીજા રાજ્યોમાં મત ગણતરી પૂરી થઈ ચુકી છે અને આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા જાહેર થઈ ચુક્યા છે. ટ્રમ્પ હવે જાન્યુઆરીમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની શપથ લેશે. જો કે, ભારત અને અમેરિકાની ચૂંટણીઓ વચ્ચે મૂળભૂત તફાવત એ છે કે અમેરિકામાં હજુ પણ બેલેટ પેપર દ્વારા મતદાન થાય છે જ્યારે ભારતે વર્ષો પહેલા મતદાન માટે ઇવીએમ પસંદ કર્યું છે.
આમ ઇવીએમની આલોચના કરનાર મસ્ક હવે ભારતની ચુંટણી સિસ્ટમના વખાણ કરતાં થઈ ગયા છે અને એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ હોય તેવું લાગે છે.