ચીને શું કરી ફરી ઉશ્કેરણી ? વાંચો
દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશને લઈને ફરીવાર ચીને ભારતની મોટી ઉશ્કેરણી કરી નાખી છે. આ રાજ્ય પર પોતાનો દાવો આગળ કરવાના પ્રયાસ વચ્ચે તેણે અરુણાચલના વિવિધ 30 જેટલા વિસ્તારોના નવા નામની યાદી બહાર પાડવાની હિંમત કરી છે. આ બધા વિસ્તારોને ચીની નામ આપી દીધા હોવાનો ધડાકો થયો છે.
ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સના એક અહેવાલમાં જણાવ્યા મુજબ 30 જેટલા વિસ્તારોને ચીની નામ આપી દેવામાં આવ્યા છે. ચીની ભાષામાં આ નામ લખવામાં આવ્યા છે. પહાડો, નદીઓ અને અન્ય વિસ્તારોના નામ રાખવામાં આવ્યા છે. આમ કરીને ચીન આ બધા જ વિસ્તારોને પોતાના હોવાનું સાબિત કરવા માંગે છે.
તાજેતરમાં જ વડાપ્રધાને અરુણાચલ પ્રદેશની મુલાકાત લઈને સેના ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદથી જ ચીનને અગન ઉપડી હતી અને આ પ્રદેશને લઈને તે વારંવાર નિવેદનો અને દાવાઓ કરી રહ્યું છે. જો કે વિદેશ મંત્રાલય દ્વારા સખત જવાબ આપવામાં આવ્યો હતો. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે અરુણાચલ ભારતનું અભિન્ન અંગ છે.
આ પહેલા પણ ચીને અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોના નામ બદલવાની કવાયત કરી હતી પણ ભારતે તેનું ખંડન કરીને ચીનની આકરી ટીકા કરી હતી અને કહ્યુ હતું કે એક ઇંચ જમીન પણ ભારત કોઈને આપી શકે નહીં. ચીનના દાવા અને પ્રયાસો ખોટા છે અને ભારતની ઉશ્કેરણી કરનારા છે.