બાંગ્લાદેશ દ્વારા ભારત વિરુધ્ધ કેવી પ્રવૃત્તિ શરૂ થઈ ? શુ થયું ? જુઓ
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો સત્તાપલટો થયા બાદ મોહમ્મદ યુનુસના નેતૃત્ત્વવાળી વચગાળાની સરકારના ભારત સાથેના સબંધો સતત વણસી રહ્યા છે. તેનું મુખ્ય કારણ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર છે. બાંગ્લાદેશની સરકાર હિંદુઓ અને અલ્પસંખ્યકોનું રક્ષણ કરવાનો ઢોંગ કરી રહી છે. ત્યારે હવે બાંગ્લાદેશની યુનુસ સરકારે ભારતમાંથી તેના બે રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે. આમ ભારત સાથે તેણે આડોડાઈ ચાલુ જ રાખી છે.
બીજી બાજુ બાંગ્લાદેશ દ્વારા બીજી પણ નકારાત્મક પ્રવૃત્તિ શરૂ કરાઇ છે અને ભારતની જાસૂસી કરવામાં આવી રહી છે તેવો આરોપ પણ તેના પર મુકાયો છે અને સુરક્ષા એજન્સીઓ સાબદી થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળ સીમા પર જાસૂસી થઈ રહી છે.
બાંગ્લાદેશે કોલકાતામાં તેના ડેપ્યુટી હાઇકમિશ્નર શિકદાર મોહમ્મદ અફારુલ રહેમાન અને અગરતલામાં આસિસ્ટન્ટ હાઇકમિશ્નર આરિફ મોહમ્મદને પાછા બોલાવ્યા છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અને ઇસ્કોનના પૂજારી સ્વામી ચિન્મય દાસની ધરપકડ બાદ ભારતના લોકોમાં પણ ગુસ્સો છે. તાજેતરમાં ત્રિપુરાની રાજધાની અગરતલામાં બાંગ્લાદેશના રાજદ્વારી મિશનમાં તોડફોડની ઘટના બની હતી.
આ પછી સરકારે કેટલાક પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરી હતી. ત્યાં સાત લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યવાહીનો બાંગ્લાદેશે વિરોધ કર્યો અને અગરતલામાં કાઉન્સીલર સેવા બંધ કરવાની જાહેરાત કરી. હવે તેણે પોતાના રાજદ્વારીને પણ ઢાકા પાછા બોલાવ્યા છે.
ભારતીય સીમા પર ડ્રોન વડે જાસૂસી કરી, સીમા પર હાઇ એલર્ટ
દરમિયાનમાં બાંગ્લાદેશ સાથે જોડાયેલી ભારતની સીમા પર એલર્ટ આપવામાં આવ્યું હતું. બાંગ્લાદેશ દ્વારા ડ્રોન વડે સીમા પર જાસૂસી કરવામાં આવી રહી છે તેવા અહેવાલ બાદ સતર્કતા વધારી દેવામાં આવી હતી. ભારત પણ એક્શનમાં આવી ગયું હતું અને સીમા પર હાઇ એલર્ટ આપી દેવાયું હતું. એવી હકીકત પણ બહાર આવી છે કે બાંગ્લાદેશ દ્વારા જે ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે તે તુર્કીમાં બનેલા છે. બાંગ્લાદેશ ગુપ્ત માહિતી મેળવવા માટે તેનો ઉપયોગ કરે છે. પશ્ચિમ બંગાળ પાસે સીમા પર ડ્રોન તૈનાત કરાયા છે તેવી ખબર બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી.