યુધ્ધ આપણને નડે છે : વિદેશી રોકાણકારો ડરી ગયા
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષ, ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારો અને ચીની બજારોની સારી કામગીરીને કારણે ઓક્ટોબરના પ્રથમ ત્રણ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાંથી રૂ. 27,142 કરોડ પાછા ખેંચ્યા છે.
અગાઉ સપ્ટેમ્બરમાં શેરબજારમાં એફપીઆઈ રોકાણ રૂ. 57,724 કરોડની નવ મહિનાની ટોચે પહોંચી ગયું હતું. એપ્રિલ-મેમાં શેરમાંથી રૂ. 34,252 કરોડ ઉપાડ્યા બાદ એફપીઆઈ જૂનથી સતત ખરીદી કરી રહ્યા છે.
ડિપોઝિટરી ડેટા દર્શાવે છે કે 2024માં જાન્યુઆરી, એપ્રિલ અને મે સિવાયના તમામ મહિનામાં એફપીઆઈ ચોખ્ખા ખરીદદારો રહ્યા છે. જો કે લડાઈને કારણે જ આ સ્થિતિ સર્જાઇ છે.
વ્યાજ દરો પર નજર
મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ભૌગોલિક રાજકીય વિકાસ અને વ્યાજ દરોની ભાવિ દિશા જેવા પરિબળો ભારતીય બજારમાં એફપીઆઈની રોકાણોની દિશા નક્કી કરશે.
માહિતી અનુસાર, 1 થી 4 ઓક્ટોબરની વચ્ચે એફપીઆઈએ શેર્સમાંથી ચોખ્ખી રૂ. 27,142 કરોડ પાછા ખેંચી લીધા છે. 2 ઓક્ટોબરે ‘ગાંધી જયંતિ’ નિમિત્તે બજારો બંધ હતી.
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, “ચીની શેરોના સારા પ્રદર્શનને કારણે એફપીઆઈનું વેચાણ વધ્યું છે. છેલ્લા મહિનામાં હેંગસેંગ ઇન્ડેક્સમાં 26 ટકાનો વધારો થયો છે અને ચીનના શેરોનું મૂલ્ય ઓછું હોવાથી તે વધવાનું ચાલુ રાખવાની ધારણા છે અને ત્યાંના સત્તાવાળાઓ દ્વારા અમલમાં મુકવામાં આવેલ નાણાકીય અને રાજકોષીય ઉત્તેજનાથી અર્થતંત્રને વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ મળી છે.”