યમનમાં હુતી આતંકીઓના 36 ઠેકાણા પર યુએસ-યુકેના હુમલા
- મધ્યપૂર્વમાં સતત બીજા દિવસે અમેરિકા ત્રાટક્યુ
શુક્રવારે મોડી રાત્રે ઈરાક અને સીરિયામાં ઈરાન સમર્થિત આતંકી થાણા ઉપર હુમલા કર્યા બાદ સતત બીજા દિવસે શનિવારે અમેરિકા અને યુકેની સેનાઓએ સંયુક્ત રીતે યમનમાં હુતી આતંકવાદીઓના 36 ઠેકાણા પર ભીષણ બોમ્બ વર્ષા કરી હતી.
રાતા સમુદ્રમાં વ્યાપારિક જહાજો પર હુમલા કરનાર હુતી આતંકવાદીઓ પર અમેરિકા અને બ્રિટનનો આ ત્રીજો સંયુક્ત હુમલો હતો.આ અગાઉ બન્ને દેશોએ 11મી અને 28 મી જાન્યુઆરીએ પણ હુમલા કર્યા હતા. 11 મી જાન્યુઆરી બાદ અમેરિકા અત્યાર સુધીમાં કુલ નવ વખત હુતી સંગઠન પર હુમલા કરી ચૂક્યું છે.
અમેરિકી સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર હુતીના કબજા હેઠળના યમનમાં હુતી લડાકુઓના શસ્ત્રાગાર તથા મિસાઈલ,રોકેટ,રડાર અને એર ડિફેન્સ સાથે જોડાયેલા ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.યુદ્ધ વિમાનો,નૌ સેનાના જહાજો અને સબમરીન દ્વારા યમનના પાટનગર સના,સદા, ધમાર શહેર અને હાદેઇદાહ પ્રાંતમાં આ હુમલા કરવામાં આવ્યા હતા.આ કાર્યવાહીમાં ઓસ્ટ્રેલિયા, બાહરીન,નેધરલેન્ડ અને કેનેડાની સેનાએ પણ ભાગ લીધો હતો.
રાતા સમુદ્રમાં હુતી આતંક
ઇઝરાયલ હમાસ યુદ્ધમાં ઈઝરાયલ નો વિરોધ કરવાના નામે હુતી આતંકવાદીઓએ વ્યાપારી જહાજોને નિશાન બનાવવાનું શરૂ કરતાં દરિયાઈ માલ પરિવહન ઉપર ગંભીર અસર પડી હતી.આ માર્ગ ઉપર થી જહાજો દુનિયાભરમાં આયાત નિકાસ કરે છે. સમુદ્રી માર્ગે થતા કુલ પરિવહનમાંથી 15 ટકા ટ્રાફિક આ માર્ગ ઉપરથી પસાર થાય છે.એ રૂટ ઉપરથી ભારત આવતા જહાજોને પણ અગાઉ નિશાન બનાવવામાં આવ્યા હતા.હુતી આતંકને કારણે બે હજાર જહાજોને રૂટ બદલવાની ફરજ પડી હતી.આ હુમલા બંધ કરવાની વિશ્વના દસ રાષ્ટ્રોની સંયુક્ત ચેતવણીને ઘોળી પી અને હુતિઓએ આતંક ચાલુ રાખતા અંતે હવે તેની ઉપર હુમલા નો દોર શરૂ થયો છે.
