US-દક્ષિણ આફ્રિકાના સબંધો તળિયે પહોંચ્યા : અમેરિકાએ દક્ષિણ આફ્રિકાના રંગભેદ વિરોધી સર્વોચ્ચ રાજદૂતને હાંકી કાઢ્યા
અમેરિકાએ એક અસાધારણ પગલું લઈ સાઉથ આફ્રિકાના અમેરિકા ખાતેના એમ્બેસેડર ઇબ્રાહિમ રસુલને હાંકી કાઢ્યા હતા. રસૂલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને નફરત કરતા ‘ જાતિવાદી રાજકારણી’ હોવાનો અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબીઓએ આક્ષેપ કર્યો હતો. કોઈ દેશના સર્વોચ્ચ રાજદૂતને દેશનિકાલ કરવામાં આવે તેવું ભાગ્ય જ બનતું હોય છે. અમેરિકા અને રશિયા વચ્ચેના શિત યુદ્ધ, રશિયાએ ક્રિમિયાનો કબજો લીધો ત્યારે તેમ જ 2016માં અમેરિકાની ચૂંટણીમાં રશિયાના કથિત હસ્તક્ષેપ જેવી ગંભીર ઘટનાઓ સમયે પણ ટોચના રાજદૂતને હાંકી કાઢવાનું પગલું બેમાંથી કોઈ દેશે નહોતું લીધું. અમેરિકાનાઆ પગલામાં સાઉથ આફ્રિકા સાથે તેના કથળેલા રાજદ્વારી સંબંધોનું પ્રતિબિંબ પડે છે.
પ્રાપ્ત વિગત મુજબ રસુલે એક આફ્રિકન થીંક ટેન્ક યોજી વેબિનારમાં ભાગ લીધો હતો અને તેમાં અમેરિકાની વર્તમાન રાજનીતિ અંગે ટીકા કરી હતી.એ અગાઉ સાઉથ આફ્રિકામાં તાજેતરમાં જ અમલમાં આવેલા ખાનગી જમીન સંપાદનના નવા કાયદાનો ટ્રમ્પે વિરોધ કર્યો હતો. એ કાયદા દ્વારા ડચ વસાહતીઓના વંશજો એવા દક્ષિણ આફ્રિકાના લોકોને નિશાન બનાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરી ટ્રમ્પે સાઉથ આફ્રિકાની બધી સહાય બંધ કરી દીધી હતી.એટલું જ નહીં ટ્રમ્પે એ ડચ વસાહતીઓને યુએસમાં શરણાર્થી દરજ્જો આપવાની યોજના પણ જાહેર કરી હતી.
એલોન મસ્કે પણ જમીન કાયદાને દક્ષિણ આફ્રિકાના શ્વેત લઘુમતી માટે ખતરા સમાન ગણાવ્યો હતો અને પોતે અશ્વેત ન હોવાને કારણે સાઉથ આફ્રિકા સ્ટારલીંક સાથે ન જોડાતું હોવાનો આક્ષેપ કર્યો હતો.નોંધનીય છે કે રસુલ રંગભેદ વિરોધી નેતા તરીકે સમગ્ર વિશ્વમાં સન્માનનીય સ્થાન ધરાવે છે.તેમણે અગાઉ 2010 થી 2015 સુધી યુએસમાં તેમના દેશના રાજદૂત તરીકે સેવા આપી હતી. જાન્યુઆરીમાં ફરી આ પદ પર તેમની નિમણૂક કરવામાં આવી હતી. બાળપણમાં કેપ ટાઉન નજીકના માત્ર શ્વેત લોકો માટે જ નક્કી કરાયેલા એક ગામમાંથી તેમના પરિવારને હાંકી કાઢવામાં આવ્યો હતો.બાદમાં રસૂલ એન્ટી-અપાર્થેઇડ ઝુંબેશકર્તા બન્યા હતા અને લાંબો સમય જેલવાસ ભોગવ્યો હતો. સાઉથ આફ્રિકાના પ્રથમ પોસ્ટ-અપાર્થેઇડ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના તેઓ વફાદાર સાથી હતા.