અમેરિકાના પ્રમુખ બાઈડેન વધુ બે ભગા
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કિને પુતિન અને કમલા હેરિસને ડોનાલ્ડ ટ્રમ્પ ગણાવી દીધા!
અમેરિકાના પ્રમુખ જો બાઇડેન સ્મૃતિભ્રમનો શિકાર બન્યા હોવાની અને અમેરિકાનું પ્રમુખ પદ સંભાળવા માટે માનસિક રીતે સક્ષમ ન હોવાની આશંકાઓ વચ્ચે તેમણે નાટોના સંમેલન અને બાદમાં પત્રકાર પરિષદમાં વધુ બે ભગા કર્યા હતા.
ગુરુવારે નાટોના સંમેલનમાં પોતાનું સંબોધન પૂર્ણ કર્યા બાદ તેમણે કહ્યું, ” હવે હું માઈક યુક્રેનના પ્રમુખ પુતીનને સોંપું છું” જો કે પોતે નામ લેવામાં ભૂલ કરી હોવાનો અહેસાસ થયા બાદ તેમણે કહ્યું હતું કે હું પુતીન વિશે એટલું બધું વિચારું છું કે તેમનું નામ જ મોઢે આવી જાય છે.
એ ઘટના બાદ શુક્રવારે વ્હાઇટ હાઉસમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. તેમાં પત્રકારોએ કમલા હેરીસ પ્રમુખ પદની જવાબદારી સંભાળવા સક્ષમ છે કે કેમ તેવો સવાલ કર્યો હતો. તેના ઉત્તરમાં બાઇડેને કહ્યું કે જો તેમની ક્ષમતા અંગે શંકા હોત તો મેં ડોનાલ્ડ ટ્રમ્પને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પસંદ જ ન કર્યા હોત. તેમના આ ઉતર બાદ પત્રકાર પરિષદમાં હાસ્યનું હુલ્લડ સર્જાયું હતુ. બાદમાં સોશિયલ મીડિયા પર લોકોએ ફરી એક વખત બાઇડેનની માનસિક અવસ્થા અંગે ટીકા કરી અને કહ્યું કે તેમને પોતાના વાઈસ પ્રેસિડેન્ટનું નામ પણ યાદ નથી.
ઉલ્લેખનીય છે કે આગામી નવેમ્બરમાં યોજાનારી પ્રમુખ પદની ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવા ડેમોક્રેટ્સ તરફથી બાઇડેન ઉપર દબાણ થઈ રહ્યું છે. તેમની જગ્યાએ વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરીસને ડેમોક્રેટ્સ ઉમેદવાર બનાવવાની માંગણી થઈ રહી છે. 14 હાઉસ ડેમોક્રેટ્સ અને એક ડેમોક્રેટિક સેનેટરે જાહેરમાં આ માગણી કરી છે. જોકે બાઇડેને પોતે શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે સ્વસ્થ અને સક્ષમ હોવાનું જણાવી એ માગણી ઠુકરાવી દીધી છે.