યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ઈઝરાયેલ હમાસ વચ્ચે યુદ્ધ વિરામનો ઠરાવ પસાર
ઇઝરાયલ – અમેરિકા વચ્ચેના મતભેદો સપાટી પર આવી ગયા
અમેરિકાએ પ્રથમ વખત વીટો ન વાપર્યો
યુનાઇટેડ નેશનની સિક્યુરિટી કાઉન્સિલમાં પ્રથમ વખત ઇઝરાયેલ અમાસ યુદ્ધમાં રમજાન માસમાં તાત્કાલિક અસરથી યુદ્ધ વિરામ કરવાનો ઠરાવ સર્વાનુમતે પસાર થતાં ઇઝરાયેલને આંચકો લાગ્યો છે. આ ઠરાવમાં લાંબા ગાળાનું ટકી શકે તવું સમાધાન કરવાની તેમજ હમાસે બંધક બનાવેલા નાગરિકોને મુક્ત કરવાની માગણી પણ કરવામાં આવી છે.
આ ઠરાવ આરબ બ્લોકના સભ્ય દેશ અલ્ઝેરીયા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. સોલ્વેન્યા, સ્વીતઝરલેન્ડ અને અન્ય રાષ્ટ્રોએ આ ઠરાવને ટેકો આપ્યો હતો. સિક્યુરિટી કાઉન્સિલના તમામ 14 સભ્ય દેશોએ ઠરાવનું સમર્થન કર્યું હતું. નોંધનીય છે કે આ અગાઉ યુદ્ધ વિરામ અંગેના આઠ પ્રસ્તાવ અમેરિકાએ વીટો વાપરીને અટકાવી દીધા હતા. આ વખતે પ્રથમ વખત અમેરિકાએ પણ આ મામલે ઇઝરાયેલ સાથે છેડો ફાડ્યો છે.
ઇઝરાયેલી પ્રતિનિધિ મંડળની વોશિંગ્ટન મુલાકાત રદ
અમેરિકાના પ્રમુખ જો બાયડને આ અગાઉ અનેક વખત ઈઝરાયેલને નાગરિકોની જાનહાનિ અટકાવવા નેતન્યાહુને ભારપૂર્વક સલાહ આપી હતી જોકે ઇઝરાયેલ કોઈને ગાંઠતું નથી. આ બાબતે બંને દેશો વચ્ચે તીવ્ર મતભેદો સર્જાયા બાદ અમેરિકાએ પ્રથમ વખત યુદ્ધ વિરામ નો ઠરાવ પસાર થવા દીધો હતો. તેના અનુસંધાને ઇઝરાયેલ ના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું કે અમેરિકા પોતાના સૈદ્ધાંતિક સ્ટેન્ડ સાથે બાંધછોડ કરી રહ્યું છે. બંને દેશો વચ્ચેના મતભેદો ઉકેલવા માટે વોશિંગ્ટન ની મુલાકાત લેનાર ઇઝરાયેલના ઉચ્ચ પ્રતિનિધિ મંડળની મુલાકાત પણ રદ કરી દેવામાં આવી હતી.
