પાકિસ્તાનના તુર્કમેનિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશ કરતા અટકાવાયા
પાકિસ્તાનને આખી દુનિયામાં નીચાજોણું થાય તેવી ઘટના બની છે.અમેરિકન ઈમિગ્રેશન સત્તાવાળાઓએ
પાકિસ્તાનના તુર્કમેનિસ્તાનના એમ્બેસેડર કેકે અહેસાન વાગનને અમેરિકામાં પ્રવેશ આપવાનો ઇન્કાર કરી લોસ એન્જેલસ એરપોર્ટ પરથી જ પરત વળાવી દીધા હતા.
કેકે અહેસાન રજાઓ ગાળવા માટે લોસ એન્જેલસ ગયા હતા. તેમની પાસે માન્ય વિઝા તથા મુસાફરી માટે જરૂરી કાયદેસરના દસ્તાવેજો પણ હતા. જો કે તેમ છતાં તેમને અમેરિકાની ભૂમિ પર પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. આ પગલાં માટે
યુએસ સત્તાવાળાઓ દ્વારા સત્તાવાર રીતે કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું પરંતુ કેટલાક
“વિવાદાસ્પદ વિઝા સંદર્ભો” કારણભૂત હોવાનું માનવામાં આવે છે. એ બનાવ અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક દાર અને સચિવ અમીના બલોચને જાણ કરવામાં આવી હતી. પાકિસ્તાનના વિદેશી બાબતોના મંત્રાલયે લોસ એન્જલસમાં તેના કોન્સ્યુલેટને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
વાગન, એક અનુભવી રાજદ્વારી છે. તેમણે પાકિસ્તાનની વિદેશ સેવામાં અનેક મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. તુર્કમેનિસ્તાનના રાજદૂત તરીકે નિમણૂક થયા પહેલાં, વાગને કાઠમંડુમાં પાકિસ્તાની દૂતાવાસમાં બીજા સચિવ તરીકે સેવા આપી હતી. તેઓ લોસ એન્જલસમાં પાકિસ્તાની કોન્સ્યુલેટમાં ડેપ્યુટી કોન્સલ જનરલ પણ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના નાગરિકો ઉપર ટ્રાવેલ બાન મુકવાનો
ટ્રમ્પ વહીવટી તંત્રએ નિર્ણય કર્યો હોવાનું આ અગાઉ
રોઈટરના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. એ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થાય એ પહેલાં જ
પાકિસ્તાનના આવા ઉચ્ચકક્ષાના રાજદૂતને પ્રવેશ બંધી ફરમવવામાં આવી તે ઘટના ભાવિના એંધાણ આપતી બની રહેશે તેવું માનવામાં આવે છે.