ગાઝા પટ્ટીનો કબજો લઈ લેશે અમેરિકા નેતન્યાહુ હાજરીમાં ટ્રમ્પની મોટી જાહેરાત
ગાઝાની જમીન સમથળ કરી બધા લોકોને અન્ય દેશોમાં વસાવવાનો ઇરાદો જાહેર કર્યો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધથી તબાહ થઈ ગયેલ ગાઝા પટ્ટીનો અમેરિકા કબજો લઈ લેશે તેવી જાહેરાત કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
દ્વિપક્ષીય વાર્તાલાપ માટે અમેરિકા ગયેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની બેઠક બાદ તેમણે આ ચોંકાવનારી ઘોષણા કરી હતી. તેમણે ગાઝા ઉપર લાંબા સમય સુધી માલિકી રાખવાની તેમજ જરૂર જણાયે અમેરિકી સેના મોકલવાની વાત પણ કહી હતી.
નેતન્યાહુએ ટ્રમ્પની આ જાહેરાતને અનોખી અને ઐતિહાસિક ગણાવી હતી. બીજી તરફ આ ઘટનાના મધ્ય પૂર્વમાં ઘેરા પડઘા પડ્યા છે.
આ ધડાકો કરતાં ટ્રમ્પે કહ્યું,” અમે ગાઝા કબજે કરીશું અને સાઇટ પર આવેલા ખતરનાક અસ્ફોટિત બૉમ્બ્સ અને અન્ય શસ્ત્રોને નષ્ટ કરવાની જવાબદારી લઈશું,અમે નાશ પામેલી ઇમારતોને સમતલ કરીશું અને આર્થિક વિકાસ કરીશું કે જે આ વિસ્તારના લોકોને અસંખ્ય નોકરીઓ અને રહેઠાણ પૂરા પાડશે”.
તેમણે વિશેષમાં ઉમેર્યું,”ગાઝાના લોકોને ઉદાર દિલ ધરાવતા રાષ્ટ્રોમાં સ્થાનાંતરિત કરવામાં આવશે અને તેમના માટે એક કાયમી અને સુવિધાપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.બાદમાં અમે ગાઝાનો વિકાસ કરશું જેથી વિશ્વના અન્ય લોકો ત્યાં વસી શકે.અમે કંઈક એવું બનાવશું કે જેના ઉપર આખું મધ્ય પૂર્વ ગૌરવ લઈ શકે”.
કઈ રીતે અને ક્યાં અધિકારની રુએ ગાઝાનો કબજો લેશે એ ન જણાવ્યું
પેલેસ્ટાઇન એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. ભારત સહિત વિશ્વના 146 દેશોએ તેને માન્યતા આપી છે અને ગાઝા પટ્ટી પેલેસ્ટાઈનનો ભાગ છે. આંતરરાષ્ટ્રીય કાનૂન મુજબ તો ટ્રમ્પે કહ્યું એ રીતે અન્ય કોઈ દેશના કોઈ ભાગનો કબજો લઈ શકાય નહીં. ટ્રમ્પે પણ કઈ રીતે અને કયા અધિકારની રૂએ કબજો લેશે તેની ચોખવટ નથી કરી. નોંધનીય છે કે ભારત પરંપરાગત રીતે સ્વતંત્ર પેલેસ્ટાઇન રાષ્ટ્રનું સમર્થક રહ્યું છે. 1974 માં પીએલઓ ને માન્યતા આપનાર ભારત પ્રથમ બિન અરબ રાષ્ટ્ર હતું. એ જ રીતે 1988માં પેલેસ્ટાઇનને માન્યતા આપનાર પણ ભારત પ્રથમ દેશ હતો. તાજેતરમાં જ નોર્વે, સ્પેન આયર્લેન્ડ અને સોલ્વેનીયાએ પણ પેલેસ ટાઈમને માન્યતા આપી હતી. જો કે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને પશ્ચિમ યુરોપના દેશોએ હજુ સુધી પેલેસ્ટાઇનને અલગ રાષ્ટ્ર તરીકે માન્યતા નથી આપી.
મધ્ય પૂર્વમાં રાજદ્વારી ઘર્ષણ વધવાની ભીતિ
ટ્રમ્પની જાહેરાતથી મધ્ય પૂર્વમાં રાજદ્વારી તનાવ વધવાની ભીતિ સેવાઇ રહી છે. ટ્રમ્પ ની ઘોષણા બાદ સાઉદી અરેબિયાએ તુરત જ ફરી એક વખત સ્વતંત્ર પેલેસ્ટાઇન રાષ્ટ્રને સમર્થન કર્યું હતું. સાઉદીના પ્રવક્તાએ જ્યાં સુધી પેલેસ્ટાઇનની સ્વતંત્રતાની બાંહેધરી ન મળે ત્યાં સુધી ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય નહીં થઈ શકે તેવી જાહેરાત કરી હતી. બે આરબ દેશોએ ઘેરી ચિંતા વ્યક્ત કરી અને ટ્રમ્પની જાહેરાત હજમ ન થઈ શકે તેવી હોવાનું જણાવ્યું હતું. સંપૂર્ણ આ નિર્ણયને પગલે મધ્ય પૂર્વમાં પ્રાદેશિક સ્થિરતા જોખમાવાની શક્યતા છે. સાથે જ બળજબરીપૂર્વક ના પુનઃવસનને કારણે
માનવીય કટોકટી સર્જાવાની દહેશત છે.