અમેરિકાના પ્રમુખપદે ટ્રમ્પ આરુઢ
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારતીય સમય મુજબ રાત્રે 10 -30 વાગે વોશિંગ્ટનમાં સંસદની અંદર અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા જેડી વાન્સે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. આમ બીજીવાર ટ્રમ્પ અમેરિકાના બોસ બન્યા હતા. બાયડન સાથે એમણે શપથ પહેલા ટી પાર્ટી કરી હતી. શપથના થોડા કલાકો પહેલા વોશિંગ્ટન સહિતના શહેરોમાં કોલ્ડ એર ઇમરજન્સી જાહેર કરવી પડી હતી.લોકોને ઘરોમાં જ રહેવા અપીલ કરાઇ હતી.
ડોનાલ્ડ ટ્રમ્પનો આ શપથ ગ્રહણ સમારોહ ભયાનક ઠંડી અને બરફવર્ષાને કારણે 40 વર્ષો બાદ કેપિટલ રોટૂનડાની અંદર યોજાયો હતો. ચીફ જસ્ટિસ જહોન રોબર્ટસએ બંને નેતાઓને શપથ લેવડાવ્યા હતા. હૉલ તાળીઓના ગડગડાથી ગાજી ઉઠ્યો હતો. શપથ પહેલા ટ્રમ્પ પત્ની મીલેનિયા સાથે ચર્ચ ગયા હતા અને પ્રાર્થના કરી હતી. શપથ બાદ એમણે સંબોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે, ગઈકાલથી જ વિશ્વભરમાંથી અગ્રણી હસ્તીઓ આવવાનું શરૂ થઈ ગયું હતું. ભારત વતી વિદેશ મંત્રી એસ જયશંકર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ટ્રમ્પને વડાપ્રધાન મોદી વતી અભિનંદન આપ્યા હતા. દરમિયાન, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી હાજર રહ્યા હતા. શપથ પહેલા જ વોશિંગ્ટન સહિતના શહેરોમાં કોલ્ડ એર ઇમરજન્સી જાહેર થઈ હતી. લોકોને ઘરોમાં જ રહેવાની અપીલ કરાઇ હતી.
પ્રથમવાર જ અમેરિકાના પ્રમુખના શપથ ગ્રહણ સમારોહમાં વિદેશી મહેમાનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા. બધા જ મહેમાનો એક દિવસ પહેલા જ અમેરિકા પહોંચી ગયા હતા.
કોણ હતા વિદેશી મહેમાનો
શપથ ગ્રહણ સમારોહમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ, જાપાનના વિદેશ મંત્રી તાકેશી ઇવાયા, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ, ઇટાલીના વડાપ્રધાન ગિઓર્ડાનો મેલોની, યુકેના જમણેરી નેતા અને રાજદૂત નિગેલ ફેરાજ, જર્મનીના બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના પત્ની મિશેલ બોલ્સોનારો સાથે રાજદૂત ટીનો ક્રુપલાસ હાજર રહ્યા હતા.
શપથ પહેલા ટ્રમ્પે મસ્ક સાથે નૃત્ય કર્યું
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના શપથ ગ્રહણ સમારોહની પૂર્વસંધ્યાએ એલોન મસ્ક સાથે ડાન્સ કર્યો હતો. એરિઝોનામાં આયોજિત રેલીમાં પોતાનું ભાષણ પૂરું કર્યા પછી, ટ્રમ્પે કાર્યક્રમના અંતે ડિસ્કો બેન્ડ વિલેજ પીપલ સાથે ડાન્સ કર્યો. તેમણે તેમનું ૧૯૭૦નું હિટ ગીત “વાયએમસીએ” રજૂ કર્યું. ટ્રમ્પે આ ગીત પર જોરદાર ડાન્સ કર્યો. આ ગીત ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારનું બિનસત્તાવાર ગીત બની ગયું હતું.
શપથ બાદ ભોજનમાં શું હતી વાનગીઓ
ટ્રમ્પના ઉદ્ઘાટન ભોજન મેનુમાં 3-કોર્સ ભોજનનો સમાવેશ કરાયો હતો. જેમાં સીફૂડ વાનગી, માંસની વાનગી અને મીઠાઈ માટે આઈસ્ક્રીમનો સમાવેશ થાય છે.
આ વખતે પણ, ગયા વખતની જેમ, મહેમાનોની પ્લેટમાં લોબસ્ટર રોલ, ગ્રીલ્ડ ચિકન, ક્રીમ ચીઝ અને કાજુ, ગ્રેવિલ સૂપ, બરબેક્યુ સેવન હિલ્સ એંગસ બીફ, ચોકલેટ ચિપ કૂકીઝ જેવી ઘણી વસ્તુઓ મહેમાનોએ ઝાપટી હતી.