ઇઝરાયેલના વિરોધમાં વોશિંગટનમાં હજારો લોકો રસ્તા પર: અમેરિકી ધ્વજ સળગાવ્યો
નેતન્યાહુએ યુએસ કોંગ્રેસને સંબોધન કર્યા બાદ મામલો વણસ્યો: અલ્લાહુ અકબરના નારા લાગ્યા
તોફાન અને કાબુમાં લેવા પોલીસ દ્વારા પીપર સ્પ્રેનો ઉપયોગ
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુએસ કોંગ્રેસને સંબોધન કર્યું તે પછી વોશિંગટનમાં પેલેસ્ટાઇનની તરફેણમાં અને ઇઝરાયેલ ની વિરુદ્ધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.એ દરમિયાન ટોળાઓને વિખેરવા પોલીસે પીપર સ્પ્રે નો ઉપયોગ કર્યો હતો.દેખાવકારોએ અલ્લાહુ અકબરના નારા સાથે અમેરિકાનો ધ્વજ સળગાવતા ભારે તંગદીલી ફેલાઈ હતી.
નેતન્યાહુએ યુએસ કોંગ્રેસના બન્ને હાઉસને કરેલા સંયુક સંબોધનમાં હમાસ સાથેના યુધ્ધમાં અમેરિકાએ કરેલી મદદ બદલ આભાર માન્યો હતો અને અમેરિકા તરફથી હજુ પણ વધુ સહાય અને શસ્ત્રો મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે મધ્યપૂર્વમાં આતંકવાદ ફેલાવવાનો ઈરાન પર આક્ષેપ કર્યો હતો.
તેમનું સંબોધન ચાલુ હતું ત્યારે જ યુએસ કેપિટોલની નજીક યુનિયન સ્ટેશન પર હજારો દેખાવકારો એકત્ર થઇ ગયા હતા.પ્રદર્શનકારીઓએ અમેરિકી ધ્વજ સળગાવીને ફ્રી પેલેસ્ટાઇન અને ફ્રી ગાઝાનાં નારા લગાવ્યા હતા.
વોશિંગટન પોસ્ટ ના જણાવ્યા મુજબ વોશિંગટનના અન્ય વિસ્તારોમાં પણ દેખાવકારોએ અંધાધુંધી મચાવી દીધી હતી.જાહેર અને ખાનગી દીવાલો અને રાષ્ટ્રીય સ્મારકો પર બ્લેક સ્પ્રે વડે સૂત્રો લખ્યા હતા.એ દરમિયાન તોડફોડની ઘટનાઓ પણ બનતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો.પોલીસે અનેક લોકોની ધરપકડ કરી હતી.યુનિયન સ્ટેશન નજીક જ પ્રદર્શનકારીઓએ અમેરિકી ધ્વજ ઉતારી લઈને પેલેસ ટાઈમ નો ધ્વજ ફરકાવ્યો હતો.