હાંકી કઢાયેલા છ ભારતીય અધિકારીઓ કેનેડાની જાહેર સુરક્ષા માટે જોખમી હતા
ભારત તપાસમાં સહકાર ન આપતા હોવાનું ફોગટ રટણ
હરદીપસિંહ હત્યા કેસમાં ભારતની સંડોવણી અંગેનો વિવાદ વકર્યો બાદ બંને દેશ વચ્ચેના રાજદ્વારી સંબંધો ઐતિહાસિક તળિયે પહોંચ્યા છે. એક તરફ ભારતે આ આક્ષેપો નકાર્યા છે અને કેનેડાએ એક પણ પુરાવો ન આપ્યા હોવાનો દાવો કર્યો છે તો તેની સામે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ ભારતે ક્યારેય પણ તપાસમાં સહકાર ન આપ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
બંને દેશોએ એક બીજાના રાજદૂત સહિત ટોચના અધિકારીઓને તગેડી મૂક્યા બાદ પત્રકાર પરિષદ સંબોધતા ટુડોએ ભારત સામેના આક્ષેપો ફરી એક વખત દોહરાવ્યા હતા. તેમણે ભારત સરકારના એજન્ટો પર ગુપ્ત માહિતી એકત્ર કરવાનો, ટાર્ગેટ કિલિંગ કરવાનો અને કેનેડિયન નાગરિકોને ધમકાવી હિંસામાં સામેલ કરવાનો આક્ષેપ કર્યો હતો.
તેમણે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના પુરાવાઓને આધાર બનાવી કેનેડામાંથી આખી કઢાયેલા છ ભારતીય અધિકારીઓ કેનેડાની જાહેર સુરક્ષાને જોખમમાં મુક્તિ પ્રવૃત્તિમાં સામેલ હોવાનો ચોકાવનારો આક્ષેપ કર્યો હતો.
ટુડે કહ્યું કે ભારતની સંડોવણી અંગે મેં ખુલાસો કર્યા બાદ ભારત દ્વારા મારી ઉપર વ્યક્તિગત પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે કેનેડાની ધરતી ઉપર કેનેડિયન નાગરિકો વિરુદ્ધ ષડયંત્ર કરવાની ભારતે ગંભીર ભૂલ કરી છે. કેનેડિયન નાગરિકોની રક્ષા કરવાની અમારી જવાબદારી છે. કોઈ દેશ પોતાના સાર્વભામોત્વ નું ઉલ્લંઘન સહન ન કરી શકે તેવું તેમણે અંતમાં જણાવ્યું હતું.
ટુડો હળાહળ ખોટા: ભારતનો પલટવાર
ભારતે જસ્ટિન ટુડો ના તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે જસ્ટિન ટુડો કેનેડામાં લોકપ્રિયતા ગુમાવી બેઠા છે. આગામી ચૂંટણીમાં તેઓ હાર ભાળી ગયા છે અને એટલે ઘરેલુ રાજકારણને ધ્યાનમાં રાખી ભારત ઉપર મન ફાવે તેવા આક્ષેપો કરી રહ્યા છે. વિદેશ મંત્રાલય કહ્યું કે કેનેડાની ધરતી ઉપરથી ભારત વિરુદ્ધ ષડયંત્ર રચતા ભાગલાવાદી તત્વોને કેનેડા ખુલ્લે આમ રક્ષણ આપે છે. તેમની સામે પગલાં લેવાની ભારત સરકારની રજૂઆતનો કેનેડાએ કોઈ પ્રતિસાદ આપ્યો નથી. નીજજર હત્યા કેસમાં ભારતની સંડોવણી અંગે ટુડો આક્ષેપ કરે છે પરંતુ ભારતે અનેક વખત માંગ્યા હોવા છતાં આજ સુધી એક પણ પુરાવા આપવામાં આવ્યો નથી તેમણે વળતો આક્ષેપ ભારતે કર્યો હતો.
આરએસએસ ઉપર કેનેડામાં બાન મુકવા માંગ
કેનેડામાં ભારત વિરોધી તત્વો વધુ સક્રિય બની ગયા છે.
કેનેડાની ન્યુ ડેમોક્રેટિક પાર્ટી ના નેતા જગમિત સિંઘે કેનેડામાં આરએસએસ ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. કેનેડા નો સીખ સમુદાય ભારતીય સત્તાવાળાઓની ધાકધમકી અને હિંસાનો ભોગ બની રહ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
આરોપીઓની ટ્રાયલમાં ભારતની સંડોવણી જાહેર થઈ થશે: કેનેડાની પોલીસ નો દાવો
જસ્ટિન ટુડોએ નિજ્જર હત્યા કેસ અંગે તેમણે ભારતના વડાપ્રધાન સાથે પણ વાત કરી હોવાનો દાવો કર્યો હતો. તેમણે સિંગાપુરમાં મળેલી ભારત અને કેનેડાના ટોચના અધિકારીઓની બેઠકનો હવાલો પણ આપ્યો હતો. બીજી તરફ વોશિંગ્ટન પોસ્ટના એ બેઠક અંગેના અહેવાલમાં જણાવ્યા અનુસાર કેનેડાના અધિકારીઓએ આ હત્યા કેસમાં ઝડપાયેલા ચાર આરોપીઓની આવતા અઠવાડિયા શરૂ થઈ રહેલી ટ્રાયલમાં ભારતની સંડોવણીના પુરાવા જાહેર થઈ જવાની અજીત દોવાલને જાણકારી આપી હતી. જો કે દોવાલે તમામ આક્ષેપો નકાર્યા હતા અને ગમે તેટલા પુરાવા જાહેર થાય તો પણ ભારત પોતાની સંડોવણી નહીં જ સ્વીકારે તેવું સ્પષ્ટ પરખાવી દીધો હોવાનું એ આહેવાલમાં જણાવ્યું છે. આ સંજોગોમાં હવે વાસ્તવમાં આગામી સપ્તાહે શરૂ થનારી ટ્રાયલમાં કેનેડા પોલીસ કયા પુરાવા રજૂ કરે છે તે નિહાળવાનું રસપ્રદ બની રહેશે.