અમેરિકાએ વોન્ટેડ જાહેર કરેલા વિકાસ યાદવના પ્રત્યાર્પણમાં વર્ષો નીકળી જશે
ઘરઆંગણે આચરેલા અન્ય ગુનામાં ટ્રાયલ પૂરી ન થાય અને સજા ભોગવી ન લે ત્યાં સુધી પ્રત્યાર્પણ નહીં થઈ શકે
અમેરિકાની ભૂમિ પર અમેરિકાના નાગરિક એવા શીખ આતંકવાદી ગુરુપત્વાન સિંઘ પન્નુમની હત્યાનું કાવતરું રચવાના આરોપસર અમેરિકાએ ભારતના રોના ભૂતપૂર્વ અધિકારી વિકાસ યાદવ સામે આરોપનામું ઘડી તેને વોન્ટેડ જાહેર કર્યો તે પછી અમેરિકા દ્વારા તેના પ્રત્યાર્પણની માગણી કરવામાં આવશે તેવું તાર્કિક અનુમાન થઈ રહ્યું છે. જોકે જાણકારોના કહેવા મુજબ ભારત અમેરિકાની માગણી સાથે સંમત થાય તો પણ વિકાસ યાદવ ના પ્રત્યાર્પણમાં અનેક વર્ષો નીકળી જશે.
વિકાસ યાદવ રો માં ડેપ્યુટેશન પર જોડાયો તે પહેલા સીઆરપીએફમાં આસિસ્ટન્ટ કમાન્ડર તરીકે ફરજ બજાવતો હતો. પન્નુમની અત્યારના કાવતરામાં તેની સંડોવણીનો અમેરિકા આક્ષેપ કર્યા બાદ તેને ફરજ મુક્ત કરવામાં આવ્યો હતો. તે પછી ગત ડિસેમ્બરમાં તેણે દિલ્હીના રાજીવ વાલિયા નામના એક કાફે માલિકનું અપહરણ કરી 50000 રૂપિયા તથા સોનાની ચેન અને વીંટીની લૂંટ ચલાવી હતી. રાજીવ વાલિયાના દુબઈ સ્થિત ધંધાદારી હરીફ જલાલુદ્દીન ઉર્ફે સમીર નામના વ્યક્તિએ તેની હત્યા માટે સોપારી આપી હોવાનું જણાવી યાદવે 20 લાખ રૂપિયામાં મામલો સેટલ કરવાની વાત કરી હતી.
એ કેસમાં પોલીસે યાદવ અને તેના સાથે અબ્દુલ્લા ખાનની ધરપકડ કરી હતી. બાદમાં યાદવ કાયમી જામીન પર મુક્ત થયો હતો. તેની સામે લૂંટ અને અપહરણની ધારાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એ બંને ગુનામાં 10 – 10 વર્ષની સજાની જોગવાઈ છે. બીજી તરફ ભારતના કાયદાઓની જોગવાઈ અનુસાર યાદવ સામેની ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી તેની અમેરિકાને સોંપણી ન કરી શકાય. જો એ ગુનેગાર સાબિત થાય તો અદાલતે ફરમાવેલી સજા પૂરી કરે તે પછી જ પ્રત્યાર્પણ થઈ શકે.ભારતની અદાલતોમાં કેસનો નિકાલ થતા વર્ષો નીકળી જાય છે. આ સંજોગોમાં વિકાસ યાદવનું પ્રત્યાર્પણ કરવામાં વર્ષો નીકળી જશે તે સ્પષ્ટ બન્યું છે.
ભારત યુએસ પાસે આ બે શખ્સોના પ્રત્યાર્પણની વળતી માંગણી કરશે
મુંબઈ ઉપરના આતંકવાદી હુમલામાં સામેલ ડેનિયલ કોલેમન હેડલી હાલમાં અમેરિકાના શિકાગોની જેલમાં અને મુનવ્વર રાણા લોસ એન્જેલસની જેલમાં સજા ભોગી રહ્યા છે. પાકિસ્તાની મૂળ ધરાવતો હેડલી અમેરિકાની ડ્રગ ઇન્ફોર્સમેન્ટ એજન્સીનો બાતમીદાર હતો અને યુએસ પાસપોર્ટ ઉપર ભારત આવ્યો હતો. તેણે હુમલાના સ્થળોની રેકી કરી હતી. રાણાએ હેડલીની ટિકિટની વ્યવસ્થા કરી હતી. ભારતે એ બંનેના પ્રત્યાર્પણની માગણી કરી છે. રાણાના પ્રત્યાર્પણ માટે તો અમેરિકાની અદાલતે મંજૂરી પણ આપી દીધી છે પણ તેની સામે તેણે અપીલ કરતાં મામલો વિલંબમાં મુકાયો છે. અમેરિકા જો વિકાસ યાદવના પ્રત્યાર્પણની માગણી કરે તો વળતાં પગલાં તરીકે ભારત પણ આ બંને શખ્સોને ભારતને સોંપી દેવાની માંગણી કરશે તેવું માનવામાં આવે છે.