ઇઝરાયેલમાં આતંકવાદી હુમલો પાર્ક કરેલી ત્રણ બસોમાં વિસ્ફોટ
ઇઝરાયેલના પાટનગર તેલ અવિવ નજીક આવેલા બેટ યામ શહેરના અલગ અલગ બસ સ્ટેશનના પાર્કિંગમાં પડેલી ત્રણ બસમાં બોમ્બ વિસ્ફોટ થતાં એ નગર ધણધણી ઉઠ્યું હતું. અન્ય બે બસમાંથી પણ બોમ્બ મળી આવ્યા હતા.આ આતંકવાદી હુમલા પાછળ પેલેસ્ટેનિયન આતંકવાદીઓનો હાથ હોવાનો સરકારે આક્ષેપ કર્યો હતો. તમામ બસો પાર્કિંગ પ્લેસમાં હોવાથી સદભાગ્યે કોઈ જાનહાની થઈ નહોતી.
બેટ યામ શહેરમાં રશિયન નાગરિકોની મોટી વસ્તી છે. એ શહેરમાં દોડતી બસો બધી ટ્રીપ પૂરી કર્યા બાદ બસ સ્ટેશનમાં પરત ફરી તે પછી બોમ્બ ધડાકા થતા જાનહાનિ અટકી હતી. આતંકવાદીઓનો ઇરાદો સવારે ધડાકા કરવાનો હતો પરંતુ ટાઇમરમાં ગરબડ થતા નાગરિકોનો ચમત્કાર બચાવ થયો હોવાનું એ નગરના મેયરે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ટાઇમર આધારિત તમામ બોમ્બ એકસરખા હતા અને ભૂતકાળમાં વેસ્ટ બેંકમાં થયેલા બોમ્બ ધડાકા સાથે સામ્ય ધરાવતા હતા. એ ઘટના બાદ વડાપ્રધાન નેતન્યાહુ એ કબજાગ્રસ્ત વેસ્ટ બેંકમાં જુદેઆ અને સમારીઆ ખાતેની શરણાર્થી
છાવણીઓમાં ઓપરેશન વધુ તીવ્ર બનાવવાનો આદેશ આપ્યો હતો. સુરક્ષા દળોએ વેસ્ટ બેંકને ઘેરો ઘાલી કેટલાક વિસ્તારોને સીલ કરી દીધા હતા.. આ બનાવને પગલે ફરી એક વખત ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ઘર્ષણ થવાનો ખતરો ઉભો થયો છે.