વેસ્ટ બેંકમાં બંધક બનાવાયેલા દસ ભારતીય કામદારોને મુક્ત કરાવાયા
પેલેસ્ટાઇના કબજા હેઠળના વેસ્ટ બેન્કમાં બંધક બનાવાયેલા 10 ભારતીય નાગરિકોને ઇઝરાયેલના સુરક્ષા દળોએ એક દિલધડક ઓપરેશન દ્વારા મુક્ત કરાવ્યા હતા.જો કે ઈઝરાયેલમાં નોકરી કરવા ગયેલા એ કામદારો વેસ્ટ બેન્ક પહોંચ્યા કેવી રીતે તે અંગે ઘેરું રહસ્ય સર્જાયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ આ કામદારોને લલચાવી ફોસલાવીને વેસ્ટ બેન્કના અલ – ઝેયેમ નામના ગામડામાં લઈ જવાયા હતા. ત્યાં તેમને બંધક બનાવી તેમના પાસપોર્ટ પડાવી લેવામાં આવ્યા હતા.
મૂળ ભારતીય નાગરિકોના એ પાસપોર્ટ ઉપર ઇઝરાયેલમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા કેટલાક પેલેસ્ટેનીયન નાગરિકો ઝડપાઈ ગયા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી.
આ ભારતીયોને બંધક બનાવાયા હોવાની જાણ થયા બાદ ઇઝરાયેલની પોપ્યુલેશન એન્ડ ઇમિગ્રેશન ઓથોરિટી, જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને સુરક્ષા દળો સંયુક્ત ઓપરેશન દ્વારા એ કામદારોને મુક્ત કરી અને સલામત સ્થળે લઈ ગયા હતા.
જો કે આ શ્રમિકો મૂળભૂત રીતે બાંધકામ ક્ષેત્રે મજદૂરી કરવા માટે ઇઝરાયેલ ગયા હતા. નોંધનીય છે કે ઇઝરાયેલે ભારતના શ્રમિકો માટે ભરતી મેળો શરૂ કર્યા બાદ પ્રથમ તબક્કામાં સોળ હજાર ભારતીય શ્રમિકો ઇઝરાયેલ પહોંચ્યા હતા. તે પૈકીના આ દસ કામદારો વેસ્ટ બેંકમાં કઈ રીતે પહોંચ્યા તે અંગે તપાસ ચાલુ હોવાનું ઇઝરાયેલ ખાતેની ભારતીય રાજદૂત કચેરીએ જણાવ્યું હતું.