જાપાનની કેવી થઈ દુર્દશા… વાંચો
જાપાનનું અર્થતંત્ર મંદીના ભરડામાં સપડાઈ ગયું છે. સતત બે ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં ભારે મોટી પછડાટ ખાતાં જાપાનની હાલત બગડી ગઈ છે અને તેને લીધે દુનિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર તરીકેનું સ્થાન તેણે ગુમાવી દીધું હોવાનો સત્તાવાર અહેવાલ બહાર આવ્યો હતો. જો કે થોડા સમય બાદ ભારત જાપાન અને જર્મની બન્નેને પાછળ રાખીને ત્રીજા સ્થાને પહોંચી શકે છે.
હવે જર્મની ત્રીજા સ્થાને આવી ગયું છે. પાછલા ત્રિમાસિક ગાળામાં 3.3 ટકાની પછડાટ બાદ ઓકટોબર-ડિસેમ્બરની અવધિમાં જાપાનના જીડીપીમાં વાર્ષિક 0.4 ટકાની પછડાટ નોંધાઈ હતી. એએફપીના અહેવાલમાં એકી માહિતી અપાઈ હતી કે જાપાન અને જર્મની બંને નિકાસ પર વધારે નિર્ભર રહ્યા છે અને ભારે પડકારોનો સામનો કરી રહ્યા છે.
મોટી મુસીબત એ છે કે જાપાનને વર્ક ફોર્સનો અભાવ પડી રહ્યો છે અને ઘટતી જનસંખ્યાને લીધે તેમજ જન્મદરમાં ઘટાડાને લીધે વર્ક ફોર્સ ઘટી રહ્યો છે. એ જ રીતે જર્મનીને પણ શ્રમિકોની પૂરતી સંખ્યા મળી નથી અને અભાવ દેખાય છે ત્યારે તેના ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો હતો. જર્મની બીજી બાજુ યુરોપીય સેન્ટ્રલ બેન્કની નીતિમાં ફેરફારને કારણે પણ મુશ્કેલીમાં છે.
એક વખતે જાપાન દુનિયાની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી અને હવે તે ત્રીજા નંબરે પણ રહ્યું નથી. 2023 ના વર્ષમાં પણ જાપાનની વ્યવસ્થા બગડી હતી અને અર્થતંત્ર ભારે મુશ્કેલીમાં મુકાયું હતું. અત્યારે આર્થિક રીતે જાપાન એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને હજુ આગામી દિવસોમાં પણ તેની સામે વધુ પડકારો આવે તેવી શક્યતા છે.