પુતિન વિરોધી લોકપ્રિયતા શેફનું સર્બિયામાં શંકાસ્પદ હાલતમાં મોત
રશિયાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અને રશિયાના પ્રમુખ પુતિનના હાડોહાડ વિરોધી શેફ ( રસોયા ) એલેક્સી ઝીમીનનું સર્બિયાની રાજધાની બેલગ્રેડની હોટલમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું.
એલેક્સી ઝીમીન ટેલિવિઝન ઉપરના તેમના શો ને કારણે માત્ર રશિયા નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બન્યા હતા. 2014માં પુતિને કરેલા ક્રિમિયા પરના આક્રમણનો તેમણે વિરોધ કર્યો હતો. બાદમાં તેઓ લંડનમાં સ્થાયી થયા હતા અને રેસ્ટોરન્ટ ની સ્થાપના કરી હતી. ત્યારબાદ પણ જો કે રશિયન ટેલિવિઝન પર તેમનો શો પ્રસારિત થતો રહ્યો હતો. બાદમાં 2022 માં યુક્રેન પરના હુમલા વિરોધી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ રશિયામાં તેમના શો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર એલેક્સી તેમના નવા પુસ્તકના પ્રમોશન માટે બેલગ્રેડ ગયા હતા. સર્બિયન પોલીસે તેમના મૃત્યુમાં કશું જ શંકાસ્પદ ન હોવાનો ખુલાસો કર્યો હતો. જો કે એલેક્સીના સાથીઓના જણાવ્યા અનુસાર મૃત્યુ પહેલા ની રાત્રે ડિનર દરમિયાન તેઓ તાજા માજા હતા અને ખુબ ખુશ હતા. નોંધનીય છે કે આ અગાઉ પણ પુતિનનો વિરોધ કરનારા અનેક લોકોના વિદેશની ભૂમિ ઉપર શંકાસ્પદ મોત થયા છે અને હવે તેમાં આ નવું નામ ઉમેરાઈ ગયું છે.