રશિયાની ભૂમિ પરથી પાકિસ્તાની રાજદૂતે અણુ યુદ્ધની ધમકી આપી
પાકિસ્તાનના મોસ્કો ખાતેના ઉચ્ચ રાજદૂત મુહમ્મદ ખાલિદ જમાલીએ શનિવારે રશિયન ન્યૂઝ ચેનલ આરટીને આપેલા ઇન્ટરવ્યૂમાં ભારત દ્વારા હુમલો કરવામાં આવે અથવા પાણી પુરવઠો રોકવામાં આવે તો અણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી હતી.કોઈ વિદેશની ભૂમિ ઉપરથી પાકિસ્તાનના કોઈ વરિષ્ઠ અધિકારીએ આવી ધમકી આપી હોય તેવી આ પ્રથમ ઘટના છે.
જમાલીએ ભારત દ્વારા સિંધુ જળ સંધિના સસ્પેન્શનને યુદ્ધનું કૃત્ય ગણાવ્યું હતું. “નીચલી નદીના પાણીને હડપ કરવાનો, તેને રોકવાનો અથવા તેને વાળવાનો કોઈપણ પ્રયાસ પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધનું કૃત્ય ગણાશે”, તેમ કહી તેનો સંપૂર્ણ શક્તિ સાથે જવાબ આપવાની તેમણે શેખી મારી હતી.
તેમણે જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ પાસે વિશ્વસનીય ગુપ્તચર માહિતી છે જે સૂચવે છે કે ભારત પાકિસ્તાની પ્રદેશ પર લશ્કરી હુમલાઓની યોજના બનાવી રહ્યું છે. તેમણે ઉમેર્યું ,”કેટલાક અન્ય લીક થયેલા દસ્તાવેજો છે જેમાં પાકિસ્તાનના અમુક વિસ્તારો પર હુમલો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને અમે માનીએ છીએ કે નજીકના ભવિષ્યમાં જ યુદ્ધ થવાનું છે.અને જો તેવું થશે તો અમે સંપૂર્ણ શક્તિ સાથે પરંપરાગત અને અણુશાસ્ત્ર દ્વારા તેનો જવાબ આપીશું”
નોંધનીય છે કે આ અગાઉ પાકિસ્તાનના વરિષ્ઠ મંત્રીઓ પણ અણુ હુમલાની ધમકીઓ ઉચ્ચારતા રહ્યા છે.
પાકિસ્તાને બે દિવસ પહેલા પરમાણુ ક્ષમતા ધરાવતા ટૂંકી રેન્જના બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ પણ કર્યું હતું.