યુદ્ધ રોકવાની મોદીની સલાહની પુતીન પર કાંઈ અસર નહીં થાય
બ્રિટનના અખબાર ગાર્ડિયનની ટિપ્પણી
ભારતને કારણે પુતીન અડીખમ:ન્યુયોર્ક ટાઈમ્સ
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની પ્રથમ મુલાકાત ઉપર આખા વિશ્વની નજર હતી. પશ્ચિમના દેશોના અખબારો અને અન્ય પ્રસાર માધ્યમોએ આ મુલાકાતને અતિ મહત્વની ગણાવી તેની ફલશ્રુતિ અંગે અહેવાલો આપ્યા હતા.
બ્રિટનના અગ્રણી અખબાર ગાર્ડીયને લખ્યું કે મોદી અને પુતીનની મિત્રતા યુક્રેન યુદ્ધ બાદ વધુ મજબૂત બની છે. જોકે યુદ્ધ બંધ કરવાની મોદીની સલાહ પુતીન માનશે નહીં. પુતીનની મહત્વકાંક્ષા પર મોદીના સંવેદનાપૂર્ણ શબ્દોની કાંઈ અસર નહીં થાય તેવો મત આ અખબારે વ્યક્ત કર્યો હતો.
બીબીસીએ કહ્યું કે પુતીને મોદીને પોતાના સૌથી વ્હાલા મિત્ર ગણાવ્યા. જ્યારે નાટોના રાષ્ટ્રો યુક્રેન યુદ્ધ મુદ્દે મોસ્કોની આકરી નિંદા કરી રહ્યા છે ત્યારે મોદીએ આજ સુધી એ મુદ્દે રશિયાની આલોચના પણ નથી કરી તેવું એ અહેવાલમાં જણાવાયું છે. ભારત અને ચીનને કારણે રશિયાને અલગ પાડી દેવાના પશ્ચિમના દેશોના મનસુબા પાર નથી પડ્યા તેવી ટીપ્પણી પણ બીબીસીએ કરી હતી.
ન્યુયોર્ક ટાઈમ્સ અખબારે પણ લખ્યું કે પશ્ચિમના દેશો રશિયાને નબળું પાડવાની કોશિશ કરી રહ્યા છે પણ ભારતે રશિયા પાસેથી તેલ ખરીદતા પશ્ચિમના દેશોના આર્થિક પ્રતિબંધો છતાં રશિયાની આર્થિક સ્થિતિ વધુ સુધરી છે.