નિજરની હત્યાના ષડયંત્ર અંગે મોદીને કોઈ જાણકારી નહોતી: કેનેડાનો સતાવાર ખુલાસો
કેનેડામાં શીખ આતંકવાદી હરદીપ સિંહ નીજરની હત્યા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભારતના અન્ય કોઈ ઉચ્ચ અધિકારીઓને જાણ નહોતી તેવો સત્તાવાર ખુલાસો કેનેડાની સરકારે કર્યો હતો. બે દિવસ પહેલા કેનેડાના એક અખબારમાં કેનેડા સરકારના ઉચ્ચ અધિકારીનો હવાલો ટાંકી નિજરની હત્યાના ષડયંત્ર બારામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર તેમ જ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત દોવાલને જાણકારી હોવાનું જણાવતો અહેવાલ પ્રગટ થયો હતો.
આ અહેવાલ એ સમયે પ્રગટ થયો જ્યારે ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો ઐતિહાસિક તળિયે પહોંચ્યા છે.આ અગાઉ આ જ પ્રકરણમાં ગૃહ મંત્રી અમિત શાહની સંડોવણીનો કેનેડાએ આક્ષેપ કર્યો હતો અને તે પછી વડાપ્રધાન સહિતના ટોચના નેતાઓ અને અધિકારીઓ પ્રત્યે પણ આંગળી ચિંધતો આ અહેવાલ ભારે વિવાદાસ્પદ બન્યો હતો.કેનેડાની સરકારના ઇશારે જ આવો અહેવાલ પ્રસિદ્ધ થયો હોવાનું માનવામાં આવે છે.જો કે ભારતે આ અહેવાલની ભારે શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. આ આક્ષેપો આધારહીન, બદઇરાદાથી થયેલા અને હાસ્યસ્પદ હોવાનું વિદેશ મંત્રાલયના પ્રવક્તા જણાવ્યું હતું. વળી એ જ અહેવાલમાં આક્ષેપોને સમર્થન આપતા કોઈ પુરાવા ન હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. ભારત તરફથી થયેલા આ વિરોધ બાદ કેનેડાની સરકારે થુકેલું ચાટવું પડ્યું હતું.
કેનેડા સરકારે સતાવાર ખુલાસામાં જણાવ્યું કે કેનેડામાં નાગરિક સલામતી સામે સર્જાયેલા ખતરા અંગે સરકાર દ્વારા એક અસામાન્ય પગલાં રૂપે 14 મી ઓક્ટોબરે ભારતના એજન્ટોની ગુનાહિત સંડોવણી અંગે જાહેર નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું.પણ આ અખબારી અહેવાલ સાથે સરકારને કાંઈ લાગતું વળગતું નથી.કેનેડા સરકારે ક્યારેય વડાપ્રધાન મોદી, વિદેશમંત્રી જયશંકર કે એનએસએ અજીત દોવલ કેનેડામાં ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોય એવું કહ્યું નથી અને તેવા કોઈ પુરાવાની પણ સરકારને જાણ નથી.આ મુદ્દે બાકીના કોઈ પણ દાવા ખોટા અને ધારણા આધારિત છે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી.