માલવાહક જહાજ અથડાયા બાદ મહાકાય બ્રીજ તૂટી પડ્યો
અમેરિકાના બાલ્ટીમોરની ઘટના : એક ડઝનથી વધુ લોકો પાણીમાં પડ્યા
અમેરિકામાં બનેલી એક દુર્ઘટનામાં બાલ્ટીમોરનો સૌથી મોટો બ્રીજ તૂટી પડ્યો હતો. આ બ્રીજ સાથે એક માલવાહક જહાજ અથડાયુ હતું. આ બ્રીજ તૂટી પડ્યો ત્યારે તેના ઉપર કેટલાક લોકો હતા જે નદીમાં પડી ગયા હતા અને તેમને બચાવી લેવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અહેવાલો અનુસાર, પુલ તૂટી પડતા પહેલા આગ લાગી હતી અને ઘણા વાહનો નીચે પાણીમાં પડી ગયા હતા.
જ્યારે પુલ તૂટી પડ્યો ત્યારે તેના પર સાત જેટલા બાંધકામ કામદારો અને ત્રણથી ચાર નાગરિક વાહનો હાજર હતા. અધિકારીઓએ સુરક્ષાના કારણોસર બંને દિશામાંની તમામ લેન બંધ કરી દીધી હતી. આ માલવાહક જહાજ સિંગાપુરનું હોવાનું જાહેર થયું છે. આ બ્રીજ ૧૯૭૭માં ૬૦.૩ મિલિયન ડોલરના ખર્ચે બાંધવામાં આવ્યો હતો અને તે વોશિંગ્ટન ડીસીને આજુબાજુના વિસ્તાર સાથે જોડતો હતો.