યુકેમાં કબડ્ડી સ્પર્ધામાં તલવારો ઉડી ગોળીબાર
રવિવારે બ્રિટનના ડરબીશાયરના અલ્વાસ્ટાનમાં કબડ્ડી મેચ દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતા ભારે અંધાધુંધી ફેલાઈ હતી. એક જૂથે બીજા જૂથના સભ્ય ઉપર તલવારો વડે હુમલો કર્યા બાદ મામલો બિચક્યો હતો.વળતા હુમલા તરીકે ગોળીબાર થતા ત્રણ લોકો ઘાયલ થયા હતા જેમાં એકની હાલત નાજુક ગણાવાઇ હતી. આ બનાવને પગલે ઘટનાસ્થળે નાસભાગના દ્રશ્ય સર્જાયા હતા. મામલો કાબુમાં લેવા માટે 20 થી વધારે પોલીસ વાહનોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં તથા હોસ્પિટલ આસપાસ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે યુકેમાં ભારતના હિન્દુ અને શીખો ઉપરાંત પાકિસ્તાન,બાંગ્લાદેશ અને શ્રીલંકાના મૂળ ધરાવતા રહેવાસીઓ કબડ્ડી ક્લબો ધરાવે છે. યુકેમાં નિયમિત રીતે કબડી સ્પર્ધાઓનું આયોજન થાય છે. બ્રિટનમાં અગાઉ કબડ્ડીની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું.