ઇઝરાયલના હવાઈ હુમલાથી લેબેનોનમાં 585 ના મોત
1000 લોકો ઘાયલ : હિઝબુલ્લાહ દ્વારા પણ સતત રોકેટમારો
લેબેનોનમાં ‘ઈલેક્ટ્રોનિક્સ’ વિસ્ફોટો થયા બાદ હિઝબુલ્લા અને ઈઝરાયલ વચ્ચે મહાયુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એકતરફ હિઝબુલ્લાના લોકો ઈઝરાયલના અનેક શહેરોમાં મિસાઇલ હુમલાઓ કરી રહ્યા છે, તો બીજી રતફ ઈઝરાયલ પણ લેબેનોનમાં હવાઈ હુમલાઓથી મોત વરસાવી રહ્યું છે. લેબેનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ઈઝરાયલે સોમવારે ફરી લેબેનોનમાં મોટો હુમલો કર્યો હતો જેમાં 585 થી વધુ લોકોના મોત થયા હતા અને 1000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંને વચ્ચે સામસામે ભયાનક હુમલા થયા બાદ ઈઝરાયેલે દેશમાં એક અઠવાડિયું ઈમરજન્સી જાહેર કરી દીધી છે.
ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ 30મી સપ્ટેમ્બર સુધી સમગ્ર દેશમાં ‘સ્પેશિયલ હોમ ફ્રન્ટ સિચ્યુએશન’ની જાહેરાત કરી છે. આ સાથે લેબનોનના લોકોને સલામત સ્થળે જવા માટે અપીલ કરવામાં આવી છે. હિઝબુલ્લાહને ખતમ કરવા માટે ઈઝરાયલ લેબનોનમાં સતત હવાઈ હુમલાઓ કરી રહ્યું છે.
ઈઝરાયલી સેનાએ હિઝબુલ્લાના 300થી વધુ ઠેકાણાઓ પર હુમલો કર્યાનું સ્વીકાર્યું છે. ઈઝરાયલી ડિફેન્સ ફોર્સના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે, હુમલો કર્યા પહેલા અમે આસપાસના લોકોને ઘર ખાલી કરવાની ચેતવણી આપી હતી. ઈઝરાયલે જે ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, તેમાં હિઝબુલ્લાએ હથિયારો અને રૉકેટ છુપાવીને રાખ્યા હતા. સ્કાય ન્યુઝના રિપોર્ટ મુજબ લેબેનોનના સિડોન શહેરમાં લગભગ ત્રણ હુમલા કરવામાં આવ્યા છે.