ઇઝરાયેલ એવા હુમલા કર્યા કે સીરિયા શસ્ત્રો વગરનું થઈ ગયું
ગૃહ યુદ્ધમાં ફસાયેલા સીરિયામાં અસદ સરકારના પતન બાદ વિદ્રોહીઓએ દેશનો કબજો લઈ લીધો છે. સીરિયા અંધાધુંધી અને રાજકીય અસ્થિરતામાં
સપડાઈ ગયું છે એ પરિસ્થિતિનો લાભ લઇ ઇઝરાયેલે
છેલ્લા બે દિવસમાં સીરિયા પર 480 હુમલા કરી તમામ લશ્કરી થાણાઓ તથા શસ્ત્રાગારોનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો.
ઇઝરાયેલી લશ્કરના પ્રવક્તાના જણાવ્યા અનુસાર
સીરીયન સરકારના શસ્ત્રો આતંકવાદીઓના હાથમાં જતા રોકવા માટે આ હુમલા કરવામાં આવ્યા હતા.
ઇઝરાયેલે સત્તાવાર રીતે જાહેર કર્યા મુજબ છેલ્લા 48 કલાક દરમિયાન દમાસ્કસ, હોમસ, તારતુસ, લાટાકિયા, પલમાયરા વગેરે ક્ષેત્રો પર ૩૫૪ એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. એ ઉપરાંત 126 જમીની હુમલા કરી સીરીયાના લશ્કરી થાણાઓ, યુદ્ધ જહાજો, એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ, હથિયારોની ફેક્ટરીઓ, કેમિકલ વેપન ફેક્ટરી, એરફિલ્ડ , ડ્રોન, મિસાઈલ, ટેન્ક, ફાઈટર જેટ , મિસાઈલ લોન્ચર વગેરેનો નાશ કરી દેવામાં આવ્યો હતો. ઇઝરાયેલની નેવીએ સીરીયલ નેવીના બે થાણા પર હુમલા કરી 15 યુદ્ધ જહાજો અને સી ટુ સી
મિસાઈલોનો નાશ કર્યો હતો. ઇઝરાયેલે વ્યુહાત્મક સ્થળો પર વીણી વીણીને કરેલા હુમલાને કારણે
સીરિયા હવે મહદઅંશે શસ્ત્રો વગરનું થઈ ગયું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.