શેખ હસીના સામે અતિ આકરા પગલાં લેતા ભારતે અમેરિકાને અટકાવ્યું’તું : વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં સનસનીખેજ ધડાકો
બાંગ્લાદેશમાં શેખ હસીનાની આપખુદ સરકાર સામે અત્યંત કડક અને આકરા પગલાં ન લેવા અને
‘હળવાશ’થી કામ લેવા માટે ભારતે જોરદાર લોબિંગ કર્યું હોવાનો વોશિંગટન પોસ્ટ અખબારે દાવો કર્યો હતો. અમેરિકા અને ભારતના ટોચના અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરત સાથે આપેલી માહિતીઓ ટાંકીને પ્રસિદ્ધ થયેલા એ અહેવાલના ઘેરા રાજકીય પડઘા પડવાની સંભાવના છે.
એહવાલમાં જણાવ્યા અનુસાર બાંગ્લાદેશમાં હસીના સરકાર દ્વારા રાજકીય હરીફો પરના દમન અને માનવઅધિકાર ભંગની ઘટનાઓ અંગે અમેરિકી સરકાર ચિંતીત હતી. આવા મામલાઓ વધ્યા બાદ અમેરિકાએ અપરણો અને હત્યાઓમાં કથિત રીતે સામેલ પોલીસના એક એકમ ઉપર પ્રતિબંધ લાદ્યો હતો અને લોકશાહીને નબળી પાડનાર તથા માનવાધિકારનો ભંગ કરનાર અન્ય નેતાઓ પર વિઝા મર્યાદા લાદવાની ધમકી આપી હતી.
અમેરિકાના આ કડક વલણ બાદ ભારતે મામલો હાથમાં લીધો હતો. બંને દેશના ટોચના અધિકારીઓ વચ્ચે આ બાબતે અનેક બેઠકો થઈ હતી. ભારતે બાંગ્લાદેશમાં લોકશાહીની હાલત અંગે અમેરિકાને નરમાશભર્યું વલણ દાખવવા દબાણ કર્યું હતું. બાંગ્લાદેશમાં જો હસીનાના વિરોધીઓ સત્તામાં આવે તો બાંગ્લાદેશ આતંકવાદીઓનું આશ્રય સ્થાન બની જશે અને તે ભારત માટે ખતરા રૂપ હશે તેવી ભારતે દલીલ કરી હતી.
વોશિંગ્ટન પોસ્ટને માહિતી આપનાર ભારતીય અધિકારીના જણાવ્યા અનુસાર આ મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને અસર થાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. એક તબક્કે તો ભારતે સ્પષ્ટપણે એવું જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચે જો કેટલીક વ્યૂહાત્મક સંમતિ ન થઈ શકે તો ભારતને અમેરિકા તેનું વ્યૂહાત્મક ભાગીદાર ન માની શકે. ભારતની આ ચીમકી બાદ બાઈડેન તંત્ર નરમ પડ્યું હતું અને વધારાના પ્રતિબંધો ના લાદવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશ ની નવી સરકાર સાથે પડોશમાં જ ભારત વિરોધી નવો મોરચો ખુલ્યો
નોંધનીય છે કે જાન્યુઆરી 2024 માં બાંગ્લાદેશમાં થયેલી ચૂંટણી પહેલા હજારો રાજકીય હરીફોને જેલભેગા કરવાના હસીના સરકારના પગલાને વખોડી અમેરિકાએ એ ચૂંટણીને ફારસ સમાન ગણાવી હતી. ત્યારબાદ બાંગ્લાદેશમાં હિંસક આંદોલન ફાટી નીકળતા હસીના સરકારનું પતન થયું હતું. ભારતમાં આશ્રય મેળવી રહેલા શેખ હસીનાએ એ આંદોલન અને સત્તા પલટા માટે અમેરિકા જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો.
બીજી તરફ બાંગ્લાદેશના મુખ્ય વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનલ પાર્ટીએ ભારત સરકાર શેખ હસીનાને સમર્થન આપતી હોવાનો આક્ષેપ કર્યો હતો. બાંગ્લાદેશમાં નવી સરકારના મુખ્ય સલાહકાર મહંમદ યુનુસે પણ શેખ હસીનાને ભારતમાં આશ્રય આપવાના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. એ દરમિયાનમાં શેખ હસીના સામે હત્યા અને નરસંહારના ગુના નોંધવામાં આવ્યા છે અને તેમના પ્રત્યાર્પણ માટેબાંગ્લાદેશ સરકાર માગણી કરી શકે છે. આ સંજોગોમાં ભારત માટે રાજદ્વારી ધર્મસંકટ સર્જાવાની શક્યતા છે.