ભારત ઈચ્છે તે દેશ સાથે સબંધ રાખવા સ્વતંત્ર છે:વિદેશ મંત્રાલયનો સ્પષ્ટ જવાબ
મોદીની રશિયા મુલાકાત અંગે અમેરિકી કોંગ્રેસ હિયરિંગમાં થયેલી ટીકા પછી રોકડું પરખાવ્યું
અમેરિકી કોંગ્રેશનલ હિયરિંગમા એક સભ્યએ વડાપ્રધાન મોદીની તાજેતરની રશિયાની મુલાકાત અને પુતિનને ભેટવાના કૃત્યની ટીકા કર્યા બાદ વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અમારે કોની સાથે સબંધ રાખવો એ અમારે નક્કી કરવાનું છે.
દરઅસલ કોંગ્રેસની સુનાવણી દરમિયાન ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના કોંગ્રેસમેન અને ઇન્ડિયન એન્ડ ઇન્ડિયન અમેરિકન કોકસના ભૂતપૂર્વ સહઅધ્યક્ષ જો વિલ્સને આ રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે હું મોદીનો ચાહક છું. હાઉ ડી મોદી કાર્યક્રમમાં હું ટ્રમ્પની સાથે સામેલ થયો હતો. પણ પુતિને યુક્રેનના કિવમાં બાળકોની સૌથી મોટી હોસ્પિટલ ઉપર મિસાઈલ છોડી તે દિવસે જ એ યુદ્ધ ગુનેગારને ગળે લગાડીને મોદીએ આલિંગન કર્યું તે જોઈને મને આઘાત લાગ્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકામાં ભારતીય નાગરિકો સરેરાશ અમેરિકન નાગરિકો કરતા બમણી આવક મેળવે છે કારણ કે અમેરિકામાં લોકશાહી છે. તેમણે ઉમેર્યું કે ભારતનું ભવિષ્ય લોકશાહી ધરાવતા મુક્ત બજારો સાથે હોવું જોઈએ સરમુખત્યાર પુતિન સાથે નહીં.
તેમની આ ટીકામાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના દક્ષિણ અને મધ્ય એશિયા માટેના સહાયક સચિવ ડોનાલ્ડ લુએ સુર પુરાવી એ બાબતે ભારત સાથે ઉચ્ચ સ્તરે વાતચીત ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
અમેરિકી કોંગ્રેસમાં થયેલી આ ચર્ચાનો જવાબ આપતા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે ખૂબ લાંબા સમયથી પરસ્પરના હિતો આધારિત સબંધ છે. તેમણે અમેરિકી ટિપ્પણીને જાજુ મહત્વ આપ્યા વગર ઉમેર્યું કે બહુધ્રુવીય વિશ્વમાં, તમામ દેશોને પસંદગીની સ્વતંત્રતા છે. દરેક વ્યક્તિએ આવી વાસ્તવિકતાઓનું ધ્યાન રાખવું અને તેની કદર કરવી જરૂરી છે.નોંધનીય છે કે નાટોનું અધિવેશન મળ્યું તે જ દિવસે મોદીની રશિયાની મુલાકાતથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું હતું અને ભારત ખાતેના અમેરિકી રાજદૂત અને અમેરિકી વિદેશ મંત્રાલયે એ અંગે તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી.