શેખ હસીના દ્વારા થતી બાંગ્લાદેશ સરકારની ટીકાને ભારતનું સમર્થન નથી: વિદેશ સચિવ
બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન વલણ સ્પષ્ટ કર્યું
શેખ હસીનાની સરકારના પતન બાદ પ્રથમ વખત બાંગ્લાદેશની મુલાકાત લઈને પરત આવેલા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ તેમની મુલાકાતને હકારાત્મક ગણાવી હતી. તેમણે એ મુલાકાત દરમિયાન, ભારતની ભૂમિ ઉપર થી શેખ હસીના દ્વારા બાંગ્લાદેશની વચગાળાની સરકારની થતી ટીકા, લઘુમતીઓ પરના અત્યાચારો અને દ્વિપક્ષીય સંબંધો અંગે ઉચ્ચ સ્તરે વિસ્તૃત ચર્ચા કરી હતી. શેખ હસીના દ્વારા થતી બાંગ્લાદેશ સરકારની ટીકાને ભારતનું સમર્થન ન હોવાનું તેમણે જણાવ્યું હતું.
બાંગ્લાદેશની મુલાકાતેથી પરત આવ્યા બાદ કોંગ્રેસના નેતા શશિ થરૂરની આગેવાની હેઠળની વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિને માહિતી આપતા, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે ભારત બાંગ્લાદેશમની વચગાળાની સરકારની પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાની ટીકાને સમર્થન કરતું નથી.
તેમણે કહ્યું કે બાંગ્લાદેશ સાથે ભારતનો સંબંધ ફક્ત “એક રાજકીય પક્ષ” અથવા સરકાર પૂરતો મર્યાદિત નથી અને ભારત બાંગ્લાદેશના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
વિક્રમ મિસરીએ બાંગ્લાદેશ સત્તાવાળાઓને જણાવ્યું હતું કે ભારતની ભૂમિ ઉપરથી શેખ હસીના ખાનગી સંચાર માધ્યમો દ્વારા પોતાના સંદેશાઓ આપે છે. તેમને એ સવલત આપવામાં ભારતની કોઈ ભૂમિકા નથી.
તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં તેમણે હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પરના અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. બાંગ્લાદેશ સરકારના પ્રતિનિધિઓએ અત્યાચારોના એ સમાચારો અતિશયોક્તિભર્યા અને ખોટી માહિતી ધરાવતા હોવાનો બચાવ કર્યો હતો. વિક્રમ મિસરીએ બાંગ્લાદેશને સાઉથ એશિયામાં ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર ગણાવ્યું હતું અને નવી સરકાર સાથે યથાવત દ્વિપક્ષીય સંબંધો જાળવી રાખવાની ખાતરી આપી હતી.
વિદેશ સચીવે તેમની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારના વિદેશ મંત્રી, અન્ય ઉચ્ચ અધિકારીઓ તથા ચીફ એડવાઈઝર મોહમ્મદ યુનુસ સાથે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી.