પાકિસ્તાનમાં ઈમરાન સમર્થિત અપક્ષો સરકાર રચવા મેદાનમાં..વાંચો
પાકિસ્તાનમાં સત્તાની સાઠમારી માં નવા સમીકરણો
બધા પક્ષો એક રાજકીય પક્ષમાં ભળી જય સૌથી મોટા પક્ષ તરીકે દાવો કરશે
પાકિસ્તાનમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયાના આટલા દિવસો પછી પણ સરકાર ગઠનનું કાર્ય ઘોંચમાં પડ્યું છે ત્યારે ઇમરાન ખાન ના ટેકેદાર એવા અપક્ષોએ અન્ય એક રાજકીય પાર્ટીમાં જોડાઈને સરકાર રચવાનો દાવો કરવાની રણનીતિ અખત્યાર કરતાં પાકિસ્તાનના રાજકારણમાં નવા સમીકરણો રચાયા છે.
ભારે વિવાદાસ્પદ બની ગયેલી પાકિસ્તાનની આ ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટી તેહરીક એ ઇન્સાફ સમર્થિત અપક્ષો સૌથી વધારે બેઠકો જીત્યા છે.આ અપક્ષો હવે સંસદની ચૂંટણીમાં માત્ર એક જ બેઠક પર વિજય થયેલી સુન્ની ઇતેહાદ કાઉન્સિલ નામની માન્યતા પ્રાપ્ત પાર્ટીમાં ભળી જશે. અપક્ષોના એ પાર્ટીમાં વિલીનીકરણને જો ચૂંટણી પંચ માન્યતા આપશે તો એ પક્ષ સૌથી વધારે સાંસદો ધરાવતો પક્ષ બની જશે બાદમાં સરકાર રચવાનો દાવો રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં આર્મી નું પીઠબળ ધરાવતી નવાઝ શરીફની પાર્ટી PML -N સૌથી મોટા પક્ષ તરીકે અને બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી બીજા નંબરના પક્ષ તરીકે ઉભરી આવી છે. એ બંને પક્ષો અન્ય નાના પક્ષો સાથે ગઠબંધન કરી સરકાર રચવાની મથામણ કરી રહ્યા છે પરંતુ વડાપ્રધાન પદ ને લઈને કોકડું ગૂંચવાયું છે. આવા સંજોગોમાં હવે અપક્ષોએ નવો ખેલ પાડતા પાકિસ્તાનની રાજકીય અસ્થિરતા વધુ ઘેરી બની છે.